આનંદીબેન પટેલને યુપીની સ્થિતિથી વાકેફ કરતા યોગી આદિત્યનાથ, હિંસાનો રિપોર્ટ આપ્યો

નાગરિક કાનુનને લઈને ઉત્તરપ્રદેશમાં જારી તગદીલીની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરીને સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા. આ ગાળા દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યપાલને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને લઈને અહેવાલ સુપ્રત કર્યા હતા. ઉત્તરપ્રદેશમાં જારી તંગદીલીના કારણે આજે યોગીએ અમેઠીની તેમની યાત્રાને રદ કરી દીધી હતી. મુખ્યમંત્રીએ શાંતિ જાણવી રાખવા માટે લોકોને અપીલ કરી હતી. ઉત્તરપ્રદેશના સૌથી વધારે હિંસા થઈ છે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં હિંસા દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર તત્વો પાસેથી દંડની વસુલાત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી એમ પણ કહી ચુક્યા છે કે, તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. હિંસામાં બહારના લોકોની સંડોવણી પણ દેખાઈ આવી છે. રાજ્યના ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંગાળના તોફાની તત્વોની સંડોવણી ખુલી રહી છે.

હિંસા ફેલાવનાર તત્વો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાનુન અને ગુંડા એક્ટને લાગુ કરવામાં આવશે કે કેમ તે અંગે પુછવામાં આવતા ડીજીપીએ કહ્યું હતું કે, ઉંડી તપાસ બાદ જ આ સંદર્ભમાં કોઈ નિર્ણય લઈ શકાશે. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક વહીવટી તંત્ર જ્યાં પણ યોગ્ય સમજશે ત્યાં ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. બીજીબાજુ લખનૌના વરિષ્ઠ પોલીસ અધિકારીના કહેવા મુજબ ૨૧૮ લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. અરાજક તત્વો શહેર છોડીને ભાગી પણ ગયા છે. જે લોકોએ ભીડને ઉશ્કેરીને હિંસા ફેલાવી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ નિર્દોષ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. અગામી દિવસોમાં હજુ વધુ તત્વોની ધરપકડ કરવામાં આવી શકે છે.