કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા પોલીસ સજ્જ, સુરતમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ

નાગરિકતા કાયદો અને NRCને લઈ ગુજરાત પોલીસ દ્વારા સતર્કતા ધારણ કરવામાં આવી છે.  અમદાવાદમાં બનેલી બનાવ બાદ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં રેપિડ એક્શન ફોર્સની તૈનાતી કરી દેવામાં આવી છે. આજે શનિવારે રેપિડ એક્શન ફોર્સ અને સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અને સંવેદનશીલ પોઈન્ટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

નાગરિકતા કાયદો અને NRCને લઈ સમગ્ર દેશમાં દેખાવ થઈ રહ્યા છે. યુપી, કર્ણાટક, બિહાર, દિલ્હીમાં હિંસાની ઘટનાઓ બની છે અને યુપીમાં કુલ 6 દેખાવકારોનાં મોત થયા છે જ્યારે મેંગ્લોરમાં બે દેખાવકારો પોલીસ ફાયરીંગમાં માર્યા ગયા છે. આવી ઘટનાઓ ગુજરાતમાં ન બને તેના માટે પોલીસ તંત્ર સાબદું બન્યુ છે. સરકાર દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિની સ્થિતિ જળવાઈ રહે તેના માટે માટે રેપિડ એક્શન ફોર્સને તૈનાત કરવામાં આવી છે.

સુરતમાં જનજીવન સામાન્ય છે અને રાબેતા મુજબ કામકાજ ચાલી રહ્યું છે. પરંતુ અફવાબજારના કારણે તોફાની તત્વો ફાવી ન જાય તેના માટે પોલીસ તંત્ર માથાભારે અને કુખ્તા તત્વો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ડીસીપી વિધિ ચૌધરીની આગેવાની હેઠળ આરએએફ અને પોલીસે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.