સુરતના મેયરને ગોતાલાવાડી ટેનામેન્ટના અસરગ્રસ્તોએ ખરી ખોટી સંભળાવી, મેયરે કરવી પડી આવી જાહેરાત

સુરતના ગોતાલાવાડી ટેનામેન્ટને રિડેવલપ કરવા માટે પાછલા 6 મહિનાથી ચાલી રહેલી કૂશ્તીમાં સુરતના મેયર ડો.જગદીશ પટેલ આંદોલન કરી રહેલા અસરગ્રસ્તોને મળવા માટે ઉપવસા સ્થળે પહોંચ્યા હતા. પણ લોકોએ તેમને ખાસ્સી એવી ખરી ખોટી સંભળાવી હતી અને કોન્ટ્રાક્ટર તથા સુરત મહાનગર પાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આંદોલન કરી રહેલા લોકોએ જણાવ્યું કે ગોતાલાવાડી ખાતે આવેલા ટેનામેન્ટને રીડેવલપ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. હજુ સુધી પ્લાન મુકવામાં આવ્યો નથી. જ્યારે પ્લાન જ નથી મૂકવામાં આવ્યો તો એસએમસીને ખબર હતી કે આવું થવાનું છે તો લોકોના ઘરો શા માટે તોડી નાંખવામાં આવ્યા તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ડોક્ટર રમેશ ગોહીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી હું મારું ક્લિનિક અને પ્રેકટીસ બંધ કરી દઈશ અને જો ડિગ્રી પણ જતી હશે તો તેને પણ જતી કરવાની માંરી તૈયારી છે અને હું રાજકારણમાં આવી જઈશ.

લોકોનો રોષ જોઈને એક તબક્કે મેયર જગદીશ પટેલ ડઘાઈ ગયા હતા. બાદમાં તેમણે “સમકાલીન” સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકોની માંગણી સાચી છે એમાં કોઈ બેમત નથી. આંદોલન કરી રહેલા લોકોની બે માંગણીઓ છે. વહેલામાં વહેલી તકે બાંધકામ પૂર્ણ કરવામાં આવે અને ભાંડું ચૂકવવામાં આવે. જેપી ઈસ્કોનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને વહેલામાં વહેલી તકે કોન્ટ્રાક્ટરને બોલાવી ટેનામેન્ટ માટે કામગીરી શરૂ કરવા માટેના પ્રયાસો કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર અને એસએસસીના પૂર્વ વિપક્ષા નેતા ભૂપેન્દ્ર સોલંકીએ આક્ષેપ મૂકતા જણાવ્યુ છે કે છેલ્લા પાંચ મહિનાથી ગરીબ લોકોનું માસિક સાત હજાર ભાડું ઇજારદારે આપ્યું નથી કામમાં કોઈ પ્રગતિ નથી લોકો આર્થિક રીતે ભાંગી પડીને આમરણાંત ઉપવાસ પર બેસવા સુધી મજબુર બન્યા છે. ભુપેન્દ્ર સોલંકી એ આ બાબતે કમિશનર ને પત્ર લખી તાત્કાલિક ભાડુ ચૂકવવા અને પ્લાનો મંજુર કરવા તેમજ ઇજારદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ભૂપેન્દ્ર સોલંકીએ વધુમાં જણાવ્યું કે  મેયર પોતે સ્થળ પર ગયા. લોકોને તેમની વાત પર વિશ્વાશ નહોતો તેમની ગોળ ગોળ વાત માનવાનો ઇન્કાર કરી દીધો અને મેયરના હાથે પારણાં પણ કરવાનો ઇન્કાર કરી મેયર પર અવિશ્વાસ દર્શાવ્યો હતો મેયરને ઇજારદારને બ્લેક લિસ્ટ કરવા લોકો એ જણાવ્યું હતું.