પોલીસને ધમકી આપનાર સોનું ડાંગરની ધરપકડ, લેડી ડોનને ગુજરાતમાંથી તડીપાર કરાશે?

રાજકોટમાં મ્યુઝીકલ પાર્ટીમાં ડાન્સર તરીકે કરીયરની શરુઆત કર્યા બાદ કુખ્યાત બનેલી સોનું ડાંગરે અમરેલી એસપી અને સાવર કુંડલાના મહિલા ફોજદારને મુન્નાને મારીને ખોટુ કર્યાની ધમકી દેતો વીડિયો વાયરલ કરી ફરી વિવાદ સર્જી ફરાર થયેલી સોનું ડાંગરને અમરેલી એલસીબી સ્ટાફે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી અમરેલી લાવી કાયદાનું ભાન કરાવ્યું છે. સોનુ ડાંગર વિરુદ્વ હવે કાયદાનો ગાળીયો વધુ કસાયો છે અને પોલીસ દ્વારા પાસા અથવા ગુજરાતમાંથી તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટમાં દારુ, મારામારી, ધમકી દઇ ખંડણી પડાવવા અને હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલી સોનું ડાગર સામે કોડીનાર, જૂનાગઢ સહિતના અનેક પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સંડોવણી ખુલ્યા બાદ લાંબા સમયથી ભુગર્ભમાં ઉતરી ગયેલી સોનું ડાંગર તાજેતરમાં અમદાવાદ ખાતે બોયફ્રેન્ડ સાથે દારુની મહેફીલ માણતા પોલીસે ધરપકડ કરી હતી.

સોનું ડાંગર સાથે ઝડપાયેલા શિવરાજ ઉર્ફે મુન્નો વિછીંયાવાલા સામે અમરેલી જિલ્લામાં હત્યા, ખંડણી પડાવવી અને વિસ્ફોટક સામગ્રી રાખવા સહિત અનેક ગુના નોંધાયા હોવાથી સાવર કુંડલા પોલીસ મથકના મહિલા પીએસઆઇ અલ્પા ડોડીયાએ મુન્નાની ધરપકડ કરી હતી.

મુન્ના સામે અમરેલી પોલીસ દ્વારા થયેલી કડક કાર્યવાહીના કારણે સોનું ડાંગરે વોટસએપમાં વીડિયો વાયરલ કરી અમરેલી એસપી નિલિપ્ત રાય અને સાવર કુંડલા પી.એસ.આઇ. અલ્પા ડોડીયાને બેફામ ગાળો ભાંડી ફરાર થઇ જતા અમરેલી એલસીબી સ્ટાફે સોનું ડાંગરના મોબાઇલ નંબર પર લોકેશન મેળવી પગેરુ દબાવ્યું હતું.

એસપી નિર્લિપ્ત રાય અને પી.એસ.આઇ. ડોડીયાને તમે હિન્દુ નથી તમારા ડીએનએની તપાસ કરવી પડશે, તેવી ધાર્મિક લાગણી દુભાય તેવો વાણી વિલાસ કરી ડોડીયા મેડમ તમે બચતા રહેજો, આમનો સામનો થશે તેવી ધમકી દીધી હતી.મુન્ના પર હાથ ઉપાડી ખોટુ કર્યુ કહી તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાયને ઉદેશીને તમે પ્રમાણિક છો તેવું સાંભળ્યુ હતું પમ એય આટલુ ખોટુ કરે એ તો બહુ કહેવાય તેવી ધમકી દેતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. સોનું ડાંગરે આ પહેલાં પણ મુસ્લિમ વિશે એલફેસ બોલી વીડિયો વાયરલ કરી સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાડી રાજસ્થાનના ઉદયપુર પહોચેલી સોનું ડાંગરને એલસીબી પી.આઇ. આર.કે.કરમટા સહિતના સ્ટાફે ધરપકડ કરી અમરેલી લાવી આકરી પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.