દિકરી શેનન સાથે કુમાર સાનુએ આવા પ્રકારના ગીતો ગાવાનો કર્યો ઈન્કાર, આ છે કારણ

બોલિવૂડના દિગ્ગજ સિંગર કુમાર સાનુની પુત્રી શૈનને પણ પિતાના પગલે ચાલવાનું નક્કી કર્યું છે. કુમાર તેમની પુત્રીના નિર્ણયથી પણ ખુશ છે, પરંતુ તેમણે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ તેમની પુત્રી સાથે ચોક્કસ પ્રકારનાં ડ્યુએટ સોન્ગ ગાશે નહીં. કુમાર સાનુ અને પુત્રીએ ગયા વર્ષે ‘ઇટ્સ મેજિકલ’ ગીત ગાયું હતું. બંનેએ આ ગીત ગાયું પણ અલગ અલગ રીતે.

જ્યારે કુમારને પૂછવામાં આવ્યું કે શું તે તેની પુત્રી સાથે ગીતો ગાશે? તો તેમણે કહ્યું, “અમે ઈટ્સ મેજિકલ સોન્ગ ગાયું છે. મેં હિન્દીમાં ગાયું છે અને તેણીએ અંગ્રેજીમાં ગાયું છે. હું તેની સાથે રોમેન્ટિક ગીતો ગાવા નથી માંગતો. અમારો પિતા-પુત્રીનો સંબંધ છે, તેથી અમે અન્ય ગાયકો સાથે રોમેન્ટિક ગીતો કરી શકીએ છીએ. તેણે સોનુ નિગમ અને શાન સાથે ગીતો ગાયા છે.

કુમાર સાનુએ જણાવ્યું હતું કે તેમની પુત્રીએ હિમેશ રેશમીયા સાથે એકતા કપૂરની એક ફિલ્મ માટે પણ ગીત ગાયું છે. તેમની પુત્રીએ વર્ષ 2018માં અમેરિકામાં અ લોગ્ન ટાઈમ સોન્ગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. કુમાર સાનુ બોલિવૂડના જાણીતા સિંગર છે પરંતુ તેમની પુત્રી હજી પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક મજબૂત પોઝિશન હાંસલ કરવામાં લાગી ગઈ છે.

90ના દાયકામાં ઘણાં સુપરહિટ ગીતો ગાનારા કુમાર સાનુનાં ગીતો આજે પણ લોકપ્રિય છે. તેમણે કહ્યું કે નવી જનરેશનના કેમ્પોઝરથી તેઓ બહુ ખુશ નથી. ભારતીય મેલોડીમાં ફેરફાર કરવો અને અમેરિકન કે વેસ્ટર્નાઈઝ કરવાનું પસંદ નથી. આવા પ્રકારના ગીતોની કોઈ સેલ્ફ લાઈફ હોતી નથી.