ગુજરાતમાં ઈન્ટરનેટ બંધ નથી થયું, આ છે કારણો…

ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ઈન્ટરનેટ બંધ રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. મીડિયા અને ન્યૂઝ ચેનલો પર સમાચારો વહેતા થયા હતા પણ ગઈ રાતથી અત્યાર સુધી ગુજરાતના કોઈ પણ શહેરમાં ઈન્ટરનેટ સુવિધા બંધ કરવામાં આવી નથી.

આમ તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઈકાલે જ સ્પષ્ટતા કરી હતી કે જરૂર જણાય તો જ ગુજરાતમાં ઈન્ટરનેટ સુવિધા બંધ કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા અને છાપીના બનાવોને બાદ કરતાં ગુજરાતમાં હાલ સંપૂર્ણપણે શાંતિ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં શાંત સ્થિતિના પગલે હાલ નેટ સેવા રાબેતા મુજબ ચાલી રહી છે. પોલીસે લોકોને અફવાથી દુર રહેવા અપીલ કરી છે અને ગેરમાર્ગે નહીં દોરાવાનું જણાવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જનજીવન રાબેતા મુજબ ધબકી રહ્યું છે. પોલીસ દ્વારા સર્તકતા ધારણ કરવામાં આવી છે. રેપિટ એક્શન ફોર્સની બટાલીયનો તૈનાત કરવામાં આવી છે અને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતભરમાં સ્થિતિ સંપૂર્ણપણે અન્ડર ધ કન્ટ્રોલ છે.