11 વર્ષ, 7 મહિના, 7 દિવસ બાદ ચૂકાદો: જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચારેય આરોપીઓને ફાંસીની સજા

11 વર્ષ પહેલાં જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પશિયલ કોર્ટે ચૂકાદો આપ્યો છે અને ચારેય આરોપીઓને દોષી જાહેર કર્યા છે. સ્પેશિયલ કોર્ટના જજ અજય કુમાર શર્માએ શુક્રવારે ચારેય આરોપીઓને ફાંસીની સજા આપતો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. જયપુર બ્લાસ્ટ કેસમાં 11 વર્ષ, 7 મહિના અને 7 દિવસ બાદ ચૂકાદો આપવામાં આવ્યો છે.

જયપુર બોમ્બ બ્લાસ્ટમાં કોર્ટે અલગ અલગ કલમ હેઠળ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે મહોમ્મદ સૈફ, સૈફૂર્રહેમાન, સરવર આઝમી અને મહોમ્મદ સલમાનને ફાંસીની સજા સંભળાવી હતી.
2008,13 મેના રોજ જયપુરમાં શ્રેણીબદ્વ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જેમાં 71 લોકોના મોત નિપજ્યા હતા અને 185 લોકોને ઈજા પહોંચી હતી.

સિરિયલ બ્લાસ્ટ બાદ રાજસ્થાનમાં તત્કાલીન ભાજપ સરકારે આરોપીઓની ધરપકડ માટે એન્ટી ટેરરિસ્ટ સ્કોવોડની રચના કરી હતી. પાછલા એક વર્ષથી સુનાવણીમાં 1,206 સાક્ષીના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ફરીયાદ અને બચાવ પક્ષ દ્વારા અનેકાનેક દલીલો કરવામાં આવી હતી.

નોંધનીય છે કે 13 મે-2008માં જયપુરમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 71 લોકો માર્યા ગયા હતા. આ સિરિયલ બ્લાસ્ટ માત્ર પંદર મીનીટની અંદર આઠ જગ્યાઓ પર કરવામાં આવ્યા હતા. જયપુરના ચાંદપોલ, હનુમાન મંદિર, સાંગાનેરી ગેટ સહિતના વિસ્તારોમાં બ્લાસ્ટ કરાયો હતો.