અમદાવાદના શાહઆલમમાં અજંપાભરી શાંતિઃ 50થી વધુની ધરપકડ, 15 કલમો લગાડાઈ

CAAના વિરોધમાં અમદાવાદમાં ગઈકાલે થયેલા તોફાનો પછી આજે શાંતિ છે અને તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. ગઈકાલના તોફાનોના સંદર્ભે કોંગ્રેસના કોર્પોરેટર સહિત 50થી વધુની ધરપકડ કરવામાં આવી છે. જો કે, શાહઆલમ વિસ્તારમાં હજુ પણ અજંપો જોવા મળી રહ્યો છે.

ગઈકાલે તા. ૧૯ ડિસેમ્બરના નાગરિક્તા કાયદાના વિરોધમાં અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દિવસભર બંધ શાંતિપૂર્ણ રહ્યો પણ સાંજે શાહઆલમ, મિરઝાપુર સહિતના વિસ્તારોમાં સુઆયોજિત ઢબે અચાનક હિંસા શરૃ થઈ હતી. આ દરમિયાન પોલીસ જવાનો પર હુમલાની ઘટનાઓ બની હતી, જો કે આજે શહેરમાં શાંતિ છે અને તોફાની તત્ત્વોની ધરપકડનો દૌર શરૃ થયો છે. શાહઆલમ પથ્થરમારા મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ ઉર્ફે સનીબાબા સહિત પ૦ શખ્સોની ધરપકડ કરી છે.

આજે પણ પોલીસ તોફાનગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી છે. તેમજ પોલીસ વડાએ વધુ બે એસઆરપી કંપની ફાળવી દીધી છે. પોલીસ જવાનો હેલ્મેટ અને બોડી પ્રોટેક્ટર સાથે તૈનાત છે. ગુરુવારે શાહ આલમમાં પથ્થરમારા મામલે આજે પ હજારના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પી.આઈ. જે.એમ. સોલંકી ફરિયાદી બન્યા છે. ઉલ્લેખનિય છે કે શાહ આલમ થ્થરમારામાં શહેરના ડીસીપી, એસીપી સહિત 19 પોલીસ જવાનો સહિત કુલ 25 લોકો ઘાયલ થયા હતાં.

ગઈકાલના હિંસક તોફાનોના સંદર્ભે પોલીસે 50 કરતાં વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે. શાહઆલમ વિસ્તારમાં હાલમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે. પોલીસ સતત વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી છે. ઈસનપુર પોલીસે ટોળા સામે આઈપીસી 307, 337, 333, 143, 145, 147, 151, 152, 153, 188, 120-બી, 34 તથા પબ્લિક પ્રોપર્ટી કલમ-3 અને 7 તથા જીપી એક્ટ 135(1) એટલે કે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૃકાવટ, ષડ્યંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.