બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિમાં ભાજપની કોઈ સંડોવણી નથી : CM રૂપાણી

તાજેતરમાં બિનસચિવાલયની પરીક્ષામાં કૌભાંડને લઈ ગાંધીનગરમાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરીક્ષાને રદ કરવાની માગ સાથે ધરણા પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ બાદ રાજ્ય સરકારે પણ બિનસચિવાલય પરીક્ષામાં કૌભાંડ થયા હોવાનું સ્વીકાર્યુ અને એસઆઈટી બનાવી તપાસના આદેશ આપ્યા.

તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ બાદ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરી દેવામા આવી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટું નિવેદન આપ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સીએમ રૂપાણીએ કહ્યું કે ગેરરીતિમાં ભાજપની કોઈ સંડોવણી નથી.

સીએમ રૂપાણીએ કહ્યું કે બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને કહ્યું કે આરોપીઓને છોડવામાં નહીં આવે. આ સિવાય તેમને સ્પષ્ટતા કરતા કહ્યું કે બિનસચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિમાં ભાજપના કોઈ પણ નેતાનું નામ નથી. છતાં કોઈ નામ સામે આવશે તો છોડવામાં કોઈને નહીં આવે.