કોડીનારમાં 65 પ્રજાતિના યાયાવરોનાં ઝૂંડ ઉમટી પડ્યા, લાખો પક્ષીઓ ક્યાંથી આવે છે, જાણો વધુ

ગુજરાતનો સૌરાષ્ટ્ર પંથક વિદેશી પક્ષીઓ માટે હંમેશ યજમાન બન્યું છે. લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. શિયાળીની સિઝન શરૂ થતાં જ વિદેશી પક્ષીઓએ ગીર સોમનાથમાં ડેરા નાંખ્યા છે. એમાંય વળી કોડીનારનાં સોડવ અને બરડા બંધારા વિદેશી પક્ષીઓનો આશિયાનો બન્યો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કાંઠે આવી પહોંચ્યા છે. જેમાં કોડીનારનાં સોડવ બંધારો અને બરડા બંધારો પક્ષીઓનાં કલબલાટ અને કલરવથી ગુંજી ઉઠયા છે.હજારોની સંખ્યામાં સોડવ અને બરડા બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે 65 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા અહીંનાં પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠયા છે.

સાઈબીરિયા અને મધ્ય યુરોપનાં મોંગોલિયા સહિતનાં દેશોમાંથી આ પક્ષીઓ હજ્જારો કિલોમીટરનું અંતર કાપી અહી ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે 65 પ્રજાતિ અહી વેકેશન ગાળવા માટે આવે છે જેમાં પેલીકન, ફ્લામિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

યાયાવર પક્ષીઓ છેક સાઈબેરિયાથી અહીં શિયાળો ગાળવા આવે છે. શિયાળા દરમિયાન સાઈબેરિયામાં ખૂબજ બરફ વર્ષા થાય છે. હાડ થિજાવતી ઠંડી પડે છે. આ સમયે ત્યાં ખોરાક કે પાણી મળતા નથી. આથી આ પક્ષીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ભારત આવી પહોંચે છે. આ યાયાવર પક્ષીઓમાં કુદરતી સેન્સર હોય છે. તેઓ તેનો માર્ગ ક્યારેય ભૂલતા નથી હજ્જારો કિલોમીટરનું અંતર કાપી એ જે માર્ગે ભારત આવે છે તે માર્ગે જ પરત ફરે છે. આ પક્ષીઓનું આપણે સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ.