દુષ્કર્મને લગતા કાયદાનો સુપ્રીમ કોર્ટ રિવ્યુ કરશે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટીસ

દુષ્કર્મને લગતા કાયદાઓની સમીક્ષા માટે સુપ્રિમ કોર્ટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટીસ પાઠવી છે. દેશની હાઈકોર્ટો પાસેથી  આ અંગેના કેસોને લગતી જાણકારી માંગી છે.

યૌન અપરાધો અને દુષ્કર્મના મામલે દેશની આપરાધિક ન્યાય પ્રણાલીનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટીસ ફટકારીને જવાબ માગ્યો છે. કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવ્યું છે. કોર્ટે દેશના દરેક હાઈકોર્ટે પણ પુરાવા ભેગા કરવાની પ્રક્રિયા અને આ મામલાની સુનાવણીથી જોડાયેલા તથ્યોની માહિતી આપવાનું કહ્યું છે.

ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કેન્દ્ર સરકારને ગૃહ સચિવ દ્વારા આ મુદ્દા પર તેમનો જવાબ ફાઈલ કરવા માટે કહ્યું છે. બીજી બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ તેમના મુખ્ય સચિવો દ્વારા જવાબ દાખલ કરશે. ત્યારપછી કોર્ટે મામલાની હવેની સુનાવણી 7 ફેબ્રુઆરી-2020 નક્કી કરવામાં આવી. આ તારીખ સુધી દરેકને તેમના જવાબ દાખલ કરવા પડશે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે નિર્ભયા મામલે દેશની અંતરાત્માને હલાવીને રાખી દીધી છે. એવા મામલામાં કાર્યવાહી અને નિર્ણયમાં વિલંબથી લોકોના મનમાં ચિંતા અને અશાંતિ પેદા થાય છે. આ જ કારણે લોકો આંદોલન કરી રહ્યા છે.

કોર્ટે કહ્યું કે દુષ્કર્મની સ્થિતિમાં કાયદાની જોગવાઈને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે ઉપલબ્ધ સૂચનાઓ અને પરિસ્થિતિની એક સાથે અધ્યયન કરવું પડશે. કોર્ટે સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરાને આ મામલે મદદ માટે એમિક્સ ક્યુરિયા એટલે કે ન્યાય મિત્ર નિયુક્ત કર્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છઠ્ઠી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજસ્થાનના જોધપુરમાં કહ્યું હતું કે મહિલા સુરાંશ એક ગંભીર મુદ્દો છે. પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના આરોપીઓને દયા અરજી દાખલ કરવાનો અધિકાર હોવો જોઈએ નહીં. સંસદે આ મામલે સમીક્ષા કરવી જોઈએ.