CAA વિરુદ્વ દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન, લખનૌમાં ગાડીઓની આગચંપી, મુંબઈમાં નારેબાજી

નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના વિવિધ શહેરોમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠનોને કર્ણાટક, બિહાર સહિત દેશના અન્ય રાજ્યોમાં બંધની જાહેરાત કરી હતી. આ દરમિયાન બિહારના દરભંગામાં માકપા કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. આજે કર્ણાટકના કલબુર્ગીમાં તમામ શાળા કોલેજો બંધ રહેશે. બંધને ધ્યાનમાં રાખતા કર્ણાટકમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગલુરૃ સહિત ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસ (21 ડિસેમ્બરની રાત સુધી) કલમ ૧૪૪ લાગુ રહેશે. મોબાઈલ નેટવર્ક કંપની એરટેલના જણાવ્યા પ્રમાણે સરકારે તેમેન દિલ્હીના ઘણા વિસ્તારોમાં વોઈસ, એસએમએસ, ઈન્ટરનેટની સુવિધાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી ઉપરાંત બિહાર, યુપી, કર્ણાટક, મુંબઈ સહિતના અનેક રાજ્યોમાં લોકો આ બિલ સામે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠનોએ કરેલા બંધના એલાનના કારણે સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજધાની દિલ્હીમાં પણ મેટ્રો રેલ સેવા, ઈન્ટરનેટ કોલીંગ અને એસએમએસ પર પ્રતિબંધ લગાવી દીધો છે, અને લાલકિલ્લાની આસપાસ કલમ-144 લાગુ કરી દેવાઈ છે.

દિલ્હીમાં કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ પણ પ્રદર્શનમાં જોડાવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતાં. જેમાં કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષીત તેમના પત્ની સહિત ઘણા કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરાઈ છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ અંગે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, દરેક જગ્યાએ ઈન્ટરનેટ બંધ છે, મેટ્રો સ્ટેશન બંધ છે, કલમ 144 લાગુ છે. આજે સરકાર જનતાના અવાજથી એટલી ગભરાઈ છે કે તેમનો અવાજ દબાવી રહી છે.

દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરૃદ્ધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે. અત્યાર સુધી રાજધાનીમાં 17 મેટ્રો સ્ટેશનને બંધ કરાયા છે. મોબાઈલ નેટવર્ક કંપની એરટેલના જણાવ્યા પ્રમાણે, સરકારે તેમને દિલ્હીના ઘણા વિસ્તારોમાં વોઈસ, એસએમએસ, ઈન્ટરનેટની સુવિધાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આદેશ પછી જ આ સુવિધાઓને ફરી શરૃ કરવામાં આવશે.

દિલ્હી ઉપરાંત લખનૌમાં પણ નાગરિકતા સંશોધન કાયદા વિરૃદ્ધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મેટ્રો બંધ કરી દેવાઈ છે. પરિવર્તન ચોકથી માંડી કેડી સિંહ બાબુ મેટ્રો સ્ટેશન સુધી સાંજે પાંચ વાગ્યા સુધી મેટ્રો બંધ રહેશે. પ્રદર્શન દરમિયાન કર્ણાટકના કુલબર્ગી વિસ્તારમાં પ્રદર્શન કરનારા 20 પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ દિલ્હી પોલીસે લાલ કિલ્લા વિસ્તારમાં પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બેંગ્લુરૃમાં નાગરિકતા સંશોધન કાયદા વિરૃદ્ધ પ્રદર્શન કરી રહેલા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડ કરાઈ છે. આ વિસ્તારમાં પોલીસે કલમ 144 લાગુ કરી છે.