વડોદરામાં રસ્તા પર રમી રહેલા બાળકને ચગદીને ડોક્ટરની કાર નીકળી ગઈ, બાળકનું કરૂણ મોત

વડોદરાના આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી શ્રીજી હોસ્પિટલની નજીક તબીબે ગફલતભરી રીતે કાર ચલાવીને સામે જ રસ્તા રમી રહેલા અઢી વર્ષના બાળકને ટક્કર મારતા બાળકનું મોત નિપજ્યું હતું. રસ્તામાં જ બાળક રમતુ હોવા છતાં તબીબને તેને જોયા વિના જ કચડી નાખ્યુ હતું. આ કેસમાં પાણીગેટ પોલીસે તબીબ મિતેશ સુતરીયાની ધરકપડ કરી હતી. જોકે તબીબને જામીન મળી જતા તેને છોડી દેવાયો હતો.

આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે શ્રીજી હોસ્પિટલની બહારના ભાગે મૂળ એમપીના ઇંટાવાનો સાલિયા વસનિયાનો પરિવાર ફૂટપાથ પર રહીને મજૂરી કરે છે. તેમનો અઢી વર્ષનો પુત્ર વિક્રમ તોલીયા વસનિયા શ્રીજી હોસ્પિટલની બહાર રમી રહ્યો હતો. તે સમયે શ્રીજી હોસ્પિટલમાંથી તબીબ મિતેશ સુતરીયા પોતાની કાર પાર્કિગમાંથી બહાર કાઢતા હતા.

આ સમયે સામે રસ્તામાં રમી રહેલા બાળકને કચડી નાખ્યો હતો, જેથી તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં બાળકને વારસિયા રિંગ રોડની લોટસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

દરમિયાન સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતુ. જોકે કાર ચાલક તબીબ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પણ લોકોએ તબીબની કાર ઓળખી લીધી હતી. આ અંગે પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાળકને ચગદી ગયેલા તબીબની ધરપકડ કરી હતી.