હેલ્મેટને લઈ ફરી એક વખત પેટમાં પડી રહી છે ફાળ, CM રૂપાણી કર્યો નવો ધડાકો

હેલ્મેટને લઈ ગુજરાત સરકારનું ઘમ્મરવલોણું ચાલી રહ્યું છે. ફરજિયાત અને મરજિયાતના ચક્કરમાં ફરી એક વાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવો ધડાકો કર્યો છે. ખાસ કરીને રોડ સેફ્ટી કાઉન્સિલે પૂછ્યું છે કે ગુજરાતમાં હેલ્મેટને શા માટે મરજિયાત કરવામાં આવ્યું છે.

હેલ્મેટ મરજિયાત કરવા અંગે આજે મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારના નિર્ણય અંગે ખુલાસો કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રોડ સેફ્ટી કાઉન્સિલે રાજ્યના મુખ્ય સચિવ પાસે હેલ્મેટનો કાયદો મરજીયાત કરવા અંગે ખુલાસો માંગ્યો હતો. જેને પગલે મુખ્યમંત્રીએ આજે કહ્યું હતું કે, કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોડ સેફ્ટી કાઉન્સિલના પત્ર અંગે કહ્યું કે, કાઉન્સિલનો પત્ર ચીફ સેક્રેટરીને મળ્યો છે. જેનો જવાબ આપવામાં આવશે. પરંતુ હાલમાં જે શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કાયદો મરજીયાત કરવામાં આવ્યો છે તે માત્ર હંગામી ધોરણે છે, કાયમી નથી.

અત્રે નોંધનીય છે કે  પંદર દિવસ પહેલાં જ ગુજરાત સરકારે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટૂ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું. ફરી એક વાર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવતા હેલ્મેટને લઈ વાહનચાલકોના પેટમાં મોટી ફાળ પડી રહી છે.

હેલમેટ ફરજીયાત પહેરવાના કાયદાના કારણે શહેરી વિસ્તારમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે પહેલાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે કેન્દ્ર સરકારે નક્કી કરેલા દંડની રકમમાં છૂટછાટ આપી અને દંડની રકમ ઓછી કરી અને બાદમાં શહેરમાં વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું. સરકારની આ છૂટછાટ સામે રોડ સેફટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ખુલાસા માંગ્યો છે. ગુજરાતમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ પહેરવાનું મરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે સુપ્રીમકોર્ટની રોડ સેફટી કાઉન્સિલે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે.

રોડ સેફ્ટી કાઉન્સિલે ગુજરાતમાં હેલમેટ ફરીથી ફરજીયાત કરવા રાજય સરકારને નિર્દેશ આપ્યા છે. આ મહિનાની શરૃઆતમાં ગુજરાત સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીની હદમાં આવતા વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કર્યા હતાં. જ્યારે નેશનલ અને સ્ટેટ હાઈવે તેમજ પંચાયતના રોડ પર હેલ્મેટ પહેરવા ફરજીયાત રાખ્યા હતાં. રાજય સરકારના આ નિર્ણયની રોડ સેફટી કાઉન્સિલે આકરી ટીકા કરી છે.