ઉંઝાના આંગણે લક્ષચંડી મહાયજ્ઞનો આરંભઃ શંકરાચાર્યે ખૂલ્લો મૂક્યો ધર્મોત્સવ

મહર્ષી વાલ્મિકી રચિત રામાયણમાં ભગવાન રામે અશ્વમેઘ યજ્ઞ કર્યાનો ઉલ્લેખ છે, તે પછી ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ ઊંઝાના આંગણે યોજાઈ રહ્યો છે. આજે બુધવારથી આ યજ્ઞ શરૂ થઈને રવિવાર સુધી કુલ પાંચ દિવસ ચાલશે.

આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અને મહાયજ્ઞના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં ભારત અને વિશ્વભરમાં વસતા પાટીદારો સહિત અઢારે વર્ણના લોકોમાં થનગનાટ છે. તો ઊંઝાવાસીઓ ડબલ હરખથી મા અમે તૈયાર છીએના જયઘોષ સાથે સત્કારવા તત્પર બન્યા છે. આ મહોત્સવમાં 50 લાખથી વધુ ભક્તો પધારવાનો અંદાજ છે.

આજે 18મી ડિસેમ્બરથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. સવારે જગદ્ગુરૃ શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદ સરસ્વતી મહારાજ મહોત્સવનું સામૈયું કરાયું હતું. ત્યારબાદ ધર્મસભામાં તેમનું ઉમિયા ટેમ્પલ દ્વારા કૂલહાર, સાલ ઓઢાડી અને મા ઉમાની તસ્વીરને મોમેન્ટો સ્વરૃપે આપીને સ્વાગત કરાયું હતું. જગદ્ગુરૃ શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદ સરસ્વતીએ મહોત્સવને ખૂલ્લો મૂકી આશીર્વચન પાઠવ્યા હતાં.

આ મહોત્સવ પૂર્વે મંગળવારે સવારે લક્ષચંડી મહાયજ્ઞના 108 મુખ્ય યજમાનોની દેહપ્રાયશ્ચિત વિધિ વૈજનાથ મંદિરે કરાઈ હતી. બપોરે પાઠશાળા ઉમિયા બાગથી યજ્ઞશાળા ઉમિયાનગર સુધી અખંડ જ્યોત સાથે મંડપ પ્રવેશ પૂજાવિધિ યોજાઈ હતી. તો બિયારણ ભરેલા ૧પ હજાર બલૂન એકસાથે આકાશમાં ઉડાવી તેમજ માના સામૂહિક જયજયકારનો એશિયા બુક ઓફ રેકોર્ડમાં કીર્તિમાન અંકિત કરાયો હતો.

ઉમિયાનગરમાં 81 ફૂટ ઊંચી યજ્ઞશાળા તૈયાર કરાઈ છે. જેમાં 9 મુખ્ય યજ્ઞકુંડ અને 99 યજ્ઞકુંડ મળી 108 મુખ્ય યજમાનો બિરાજ્યા છે, જ્યારે 1100 દૈનિક પાટલા યજમાનો નીચે સ્થાન ગ્રહણ કરે તેવું આયોજન કરાયું છે. લક્ષચંડી મહાયજ્ઞનો સવારે 8 કલાકે પ્રારંભ થયો છે. આ પહેલા તા. 1 થી 16 ડિસેમ્બર ઉમિયાબાગમાં 1100 પ્રકાંડ પંડિતો દ્વારા દુર્ગા સપ્તસતિના 700 શ્લોકોનું એક લાખ ચંડીપાઠનું પઠન કરાયું હતું. આ એક લાખ ચંડીપાઠનો 10મો ભાગ એવા 10 હજાર પાઠની શાસ્ત્રોક્ત વિધિથી 108 યજ્ઞકુંડમાં વિવિધ દ્રવ્યો અને ઔષધિઓ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાઈ રહી છે.