લૂણાવાડા: વિરણીયા ગામના દીપ્તિબેન પટેલ માટે ખેડૂત અકસ્માત વીમા યોજના આર્શિવાદ સમાન પુરવાર થઇ

ન જાણયું  જાનકી નાથે સવારે શું થવાનું છે,પણ મહીસાગર જિલ્લાના વિરણીયા ગામના પટેલ પરિવાર પર આકસ્મિક અકસ્માત થતા આભ તુટી પડયું. કુદરત કોઇને આવું દુઃખ ન આપે પણ  જો કદાચ આવી કપરી સ્થિતિ ઉદૃ્ભવે તો છત્ર ગુમાવ્યા છતા આર્થિક સહાયનું છત્ર સરકારશ્રીની ખેડૂત અકસ્માત વીમા યોજના દુઃખના ઘાવ પર રાહત સમાન બને છે. આવા જ એક અકસ્માતમાં ત્રણ વ્યકિતના મૃત્યુના બનાવ બાદ ખેડૂત પરિવાર માટે સંવેદનશીલ સરકારની ખેડૂત અકસ્માત વીમા યોજના સહારારૂપ બની છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાં રહેતા ૩૩ વર્ષના દીપ્તિબેન પટેલ જેમના પતિ હિતેશભાઈ લક્ષ્મીદાસ પટેલ શિક્ષક સાથે ખેડૂત પણ હતા. દીપ્તિબેનના પતિ હિતેશભાઈ જેઓ પોતાના માતા દિવાળીબેન અને પિતા લક્ષ્મીદાસને સારવાર અર્થે નડિયાદ લઈ ગયા હતા. નડિયાદથી પોતાના ઘરે વિરણીયા પરત આવી રહ્યા હતા ત્યારે ઠાસરા પાસે તેમની કારને ગમખ્વાર માર્ગ અકસ્માત નડ્યો હતો જેમાં દીપ્તિબેનના પતિ હિતેશભાઈ અને તેમનાં પિતા લક્ષ્મીદાસ તેમજ માતા દિવાળીબેનનું આ અકસ્માતમાં મોત નીપજ્યું જેના કારણે દીપ્તિબેન અને તેમના બે સંતાન પર નાની ઉંમરે આભ તૂટી પડ્યું અને સમગ્ર પરિવાર પર પણ મોટી આફત આવી પડી.

આટલું મોટું દુઃખ આવી પડતા પરિવાર ચિંતામાં હતો તેવામાં તેમને માહિતી મળતા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ જો ખેડૂત ખાતેદાર  હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને સરકારની ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય અને જો અકસ્માત દરમ્યાન કાયમી અપંગતા આવે તો એક લાખ રૂપિયાની  સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતલક્ષી તેમજ ખેડૂતોના પરિવારના ઉત્થાન માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે પણ એનું યોગ્ય માર્ગદર્શન માહિતી હોવી એ દરેક ખેડૂત માટે જરૂરી બને છે.

દીપ્તિબેન જણાવે છે કે આ યોજનાનો લાભ તેમને મળે તે માટે તેમના પરિવાર દ્વારા મહીસાગર જિલ્લા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો અને તે માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા તેના થકી તેમને પતિ હિતેશભાઈ, સસરા લક્ષ્મીદાસ તેમજ સાસુ દિવાળીબેન આ ત્રણેય વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે વ્યક્તિદીઠ  બે લાખ રૂપિયા સહાય મુજબ ત્રણ વ્યક્તિની છ લાખ રૂપિયાની સહાય સરકારની ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત મળી.

આ સહાય મળતા આજે તેમને પોતાના પતિનો સહારો તો હવે નથી રહ્યો પરંતુ સંવેદનશીલ સરકારની સંવેદના થકી ખેડૂત અકસ્માત વીમા યોજના સહારા રૂપ બની છે. સરકારની આ  યોજના ખૂબ જ સરાહનીય છે.  તેના થકી પોતાના પરિવાર સાથે જીવન ગુજરાન કરી રહયા છે અશ્રુભીની આંખે તેમણે સરકારની સંવેદનાનો આભાર વ્યક્ત કર્યો હતો.