ખંભાળિયા: ફૂલ જેવી ત્રણ દીકરીઓને કૂવામાં ફેંકી ગ્રામ્ય રક્ષક દળના જવાને ગળેફાંસો ખાતા અરેરાટી વ્યાપી

ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો. અહીં પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી. આથી ડૂબી જવાથી ત્રણેય દીકરીના મોત નીપજ્યા હતા. બાદમાં પિતાએ ઝેરી દવા પીધી હતી પરંતુ દવા પીધા પછી કોઇ અસર ન થતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.

ઘટનાની જાણ થતા જ ભેસાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પંદર દિવસ પહેલા જ ચોથી દીકીરીનો જન્મ થયો હતો. પરંતુ તે તેની માતા પાસે જીવિત છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે. પરંતુ સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

ખંભાળિયા ગામે રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા કારસીભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવાનું કહી વાડીએ લઇ ગયા હતા. અહીં પોતાની ત્રણ દીકરી રીયા (ઉ.૯ ધો.૪માં ભણતી હતી, અંજલી (ઉ.૭, ધો.૨માં ભણતી હતી) અને જલ્પા (ઉ.૨)ને આજે સવારે સાડા નવ વાગ્યે કૂવામાં ફેંકી દીધી હતી. બાદમાં પોતે દવા પી લીધી હતી પરંતુ દવાની કોઇ અસર ન થતા બીજાની વાડીએ જઇને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. એક જ પરિવારના ચારના મોતથી સોલંકી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.