મામા-મામીથી નારાજ વડોદરાની યુવતી આપઘાત કરવા નીકળી, પછી શું થયું, જાણો હમણાં જ

મહિલા સુરક્ષા હેલ્પ લાઇન અભયમ અને સયાજી હોસ્પિટલમાં તાજેતરમાંજ મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે શરૂ કરવામાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટરની સમયસરની મદદથી પારિવારિક મુશ્કેલીઓના તણાવને પગલે આપઘાતને આરે પહોંચી ગયેલી યુવતીને નવું જીવન અને હૂંફ ભર્યો આશ્રય મળ્યો છે.

ઘટનાની વિગતો આપતા ૧૮૧ અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇનના સિટી  કો-ઓર્ડીનેટર ચંદ્રકાંત મકવાણાએ જણાવ્યું કે, અભયમને સમિયાલા વિસ્તારમાંથી એક યુવતીનો ફોન કોલ મળ્યો અને એણે જણાવ્યું કે, એ મામા મામીના ઘરનો આશ્રય છોડી આપઘાત કરવા જઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંતજ એક રેસ્ક્યુ ટીમ આ યુવતીની સહાયતા માટે મોકલવામાં આવી હતી.

ટીમના સદસ્યોએ આ યુવતીને શોધી એને આપઘાતના માર્ગેથી પાછી વાળી સહાનુભૂતિપૂર્વક એની વ્યથા કથા સાંભળી હતી અને એની સકારાત્મક સમજાવટ શરૂ કરી હતી.

યુવતીએ એની કેફિયત આપતાં જણાવ્યું હતું કે, માતાપિતાના મૃત્યુ પછી એ અને એની બહેન નિરાધાર બની જતા બંને પૈકી આ યુવતીને એના મામા મામી મોસાળમાં લઈ આવ્યા હતા અને આશ્રય આપ્યો હતો.

શરૂઆતમાં તેની સાથે ખૂબ સારો વર્તાવ કરવામાં આવ્યો અને ઉષ્મા સાથે રાખવામા આવી. મોસાળમાં મળેલા આશ્રયથી આ યુવતી ખુશ હતી. એણે આક્ષેપ કરતા જણાવ્યું કે, તે પછી મામા મામીનું વર્તન બદલાયું અને એમના વ્યવહારમાં ધુત્કાર ભળ્યો. એની ઘર બહારની અવર  જવર પર મનાઈ ફરમાવવમાં આવી અને ઘરેલુ હિંસા આચરવાનું શરૂ થયું એવું પણ યુવતીનું કહેવું છે.

અભયમના કાઉન્સેલર દ્વારા પરિસ્થિતિની નાજુક્તાનું આકલન કરીને યુવતીના મામા મામીનો સંપર્ક કરવામાં આવ્યો અને ભાણેજને મોસાળમાં સારી રીતે રાખવા સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા. જો કે આ પ્રયત્નો નિષ્ફળ ગયા. મામા મામી એ આ યુવતીને ફરીથી પોતાના ઘરમાં આશ્રય આપવા સહેજ પણ તૈયારીના બતાવી. એમનું કહેવું હતું કે, નિરાધાર ભાણેજના આશ્રય દાતા બનવા છતાં એમને અપજશ મળ્યો છે. યુવતીને પણ ફરીથી મોસાળમાં આશ્રય લેતા ઘરેલું હિંસાનો ભોગ બનવું પડશે એવો ડર સતાવતો હતો.

આખરે અભયમે વચલો  રસ્તો કાઢ્યો અને હાલમાં આ યુવતીને સયાજી હોસ્પિટલ પરિસરમાં નવા શરૂ કરવામાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટરના સલામત આશ્રય હેઠળ મૂકી છે. આમ, અભયમ અને સખી સેન્ટરના સથવારે એક નિરાધાર યુવતીનું જીવન બચવાની સાથે એને નવી દિશા મળી છે.