ગુજરાતભરમાં ઠંડીનો કેર, 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

પવનની દિશા બદલાતા છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડી વધી છે. રાજ્યમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયા શહેરમાં 6 ડિગ્રી ઠંડીથી લોકો ઠૂંઠવાઈ ગયા છે. ઠંડીનું પ્રમાણ વધી જતા લોકોમાં મોર્નિંગ વોક, જોગિંગ અને કસરત મારફતે ઠંડી ઉડાડવા અને તંદુરસ્તી જાળવવાનું ટ્રેન્ડ વધ્યો છે. લોકો તેમની સોસાયટી અને ફ્લેટના ગાર્ડનમાં વહેલી સવારથી ગરમ કપડા પહેરીને યોગ અને કસરત કરતા જોવા મળ્યા છે.

ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં બુધવારે 13 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. શહેરમાં સવારે ત્રણ કલાકમાં આઠ ડિગ્રી તાપમાન વધ્યું હતું. છતાં ઠંડા પવનથી લોકોને ઠંડીમાંથી રાહત મળી ન હતી. અમદાવાદ સહિત નવ શહેરોનું લઘુતમ તાપમાન 9થી 13 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.