લ્યો બોલો, સુરતમાંથી 10 લાખની કિંમતના ટ્રેક્ટરની લૂંટ, અપહરણ કરી માલિકને અંકલેશ્વર હાઈવે પર તરછોડી દેવાયો

ગુજરાતમાં અનાજ અને શાકભાજી લૂંટવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતમાં ટ્રેક્ટર માલિકનું અપહરણ કરી ટ્રેક્ટરની લૂંટ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

ઘટના એવી રીતે બની છે કે ગઈકાલે ફરીયાદી વોલ્વો કંપનીનાં ટ્રેક્ટર પુલર નંબર MH-46-H-1064 લઈને હજીરા રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ કારમાં ફરીયાદીનું અપહરણ કર્યું હતું. ફરીયાદી પાસેથી બળજબરીપૂર્વક ટ્રેક્ટરની ચાવી આંચકી લીધી હતી અને કારને અંકલેશ્વર હાઈવે તરફ હંકારી ગયા હતા. અંકલેશ્વર પહોંચીને ફરીયાદીને હાઈવે પર તરછોડી દીધો હતો. ટ્રેક્ટરની કિંમત આશરે 10 લાખ રૂપિયા થવા જાય છે.

બન્ને શખ્સોએ ટ્રેક્ટર પણ આંચકી લીધું હતું અને ત્યાર બાદ ફરાર થઈ ગયા હતા. શોધખોળ કરવામાં આવતા ટ્રેક્ટર મળી ન આવતા ફરીયાદીએ પોલીસનું શરણું શોધ્યું હતું અને હજીરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ વીબી દેસાઈ આ અંગે તપાસ કરી રહ્યા છે.