હાર્દિક પટેલનું મોટું નિવેદન: દિલ્હીમાં થયું તેવું જ પાટીદાર આંદોલન વખતે ગુજરાતમાં કરાયું હતું

નાગરિક્તા કાયદાની વિરુદ્વમાં કેટલાક રાજ્યોમાં ચાલી રહેલા દેખાવ અંગે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે સીધી રીતે ભાજપની નીતિઓની ટીકા કરી હતી કહ્યું હતું કે દિલ્હીમાં થયું તેવું જ પાટીદાર આંદોલન વખતે ગુજરાતમાં થયું હતું.

હાર્દિકે જણાવ્યું કે દેશમાં ભાજપના નેતાઓ હિંસા કરાવી રહ્યા છે. ભાજપ સરકાર અને તેમની પોલીસ મા ભારતીના સંતાનોને સરમુખત્યારશાહી અને ગુંડાગીરીથી ડરાવી રહી છે. હું તમામ યુવાનોને એકતા જાળવવા અપીલ કરું છું. હિન્દુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી, આપણે બધા ભાઈઓ છીએ.

હાર્દિકે કહ્યું કે એક બનો અને  ભાજપના મનસૂબાઓને ખતમ કરો. આજે દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે જે બની રહ્યું છે તે ચાર વર્ષ પહેલા ગુજરાતમાં પટેલ આંદોલન દરમિયાન થયું હતું. પોલીસ અને સરકારી લોકો જ આગ ચાંપે છે અને વાહનોને નુકસાન પહોંચાડે છે અને આ નામ આંદોલનકારીઓનું આવે છે.

હાર્દિકે વધુમાં કહ્યું કે ભાજપ હંમેશાં ખરા આંદોલનને બદનામ કરવાનું કામ કરે છે. ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે સત્તા મેળવવા માટે તોફાનો કરાવતો હતો અને આજે જ્યારે સત્તાને સંભાળી નથી શક્તા ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવા માટે તોફાન કરાવી રહ્યો છે. ભાજપનો અર્થ ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભારત જલાવો પાર્ટી થાય છે.