ઉન્નાવ રેપ કેસમાં મોટો ફેંસલો: ભાજપનો પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર દોષી, 19મીએ સજા અંગે દલીલો

ઉન્નાવ રેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે સહઆરોપી મહિલા શશીસિંહને બરી કરી દીધી છે. શશીસિંહે નોકરી અપાવવાની લાલચ આપી પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારે બાદ સેંગરે પીડિતા સાથે રેપ કર્યો હતો. હવે 19મી તારીખે સજા અંગે દલીલ થશે.

તીસ હજારી કોર્ટે સીબીઆઈને ફટકારી હતી. કોર્ટે કહ્યું કે પીડિતાએ પોતાની અને પરિવારનો જીવ બચાવવા માટે કેસને વિલંબથી દાખલ કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અમે પીડિતાના મનની વ્યથા સમજી શકીએ છીએ. કોર્ટે કહ્યું કે ગેંગરેપ જેવા ગંભીર ગુનામાં ચાર્જશીટ દાખલ કરવામાં સીબીઆઈએ એક વર્ષનો સમય કેમ લગાડ્યો?

તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગરે કલમ-120બી, 363, 366, 376 અને પોક્સોની કલમ હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

આ કેસમાં કુલ 5 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાંથી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. બાકીની સુનાવણી હજી પણ તે જ અદાલતમાં કરવામાં આવી રહી છે, જેમાં પીડિતાના પિતાની કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા.આ ઉપરાંત પીડિતાના પરિવારની બે મહિલાઓની માર્ગ અકસ્માતમાં હત્યા કરવામાં આવી હતી, અને ગેંગરેપ અને તેના કાકા વિરુદ્ધ કથિત ખોટા કેસ કરવામાં આવ્યા હતા.

જૂન 2017 માં, પીડિતાનું અપહરણ કરીને કુલદીપસિંહ સેંગરે બળાત્કાર ગુજાર્યો હતો. આ સમય દરમિયાન તે સગીર હતી. યુપીના બાંગારમાઉના ચાર વખતના ધારાસભ્ય સેંગરને ઓગસ્ટ 2019માં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.