સોનિયા ગાંધીનો મોટો હુમલો: કહ્યું “નોર્થ ઈસ્ટમાં જવાની અમિત શાહમાં હિંમત નથી”

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પૂર્વતોરમાં હિંસાને લઈને મોદી સરકાર અને ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે અમિત શાહમાં ઉત્તર-પૂર્વમાં જવા માટેની હિંમત નથી. ખરેખર, નાગરિકત્વ કાયદાને લઈને દેશભરમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. નાગરિકત્વના કાયદાને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક અથડામણના કિસ્સા બન્યા છે.

આસામ અને ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં સુરક્ષા દળોની ભારે જમાવટ છે અને કરફ્યુ લાગુ છે. તાજેતરમાં અમિત શાહ ઉત્તર-પૂર્વની મુલાકાતે જઇ રહ્યા હતા, પરંતુ રાજ્યની કથળી રહેલી પરિસ્થિતિ બાદ તેમણે તેમનો પ્રવાસ રદ કર્યો હતો. અમિત શાહ રવિવારે નોર્થ ઈસ્ટ પોલીસ એકેડેમી જવાના હતા, પરંતુ વિપરીત સંજોગોને કારણે તેમણે આ પ્રવાસ રદ કર્યો હતો.

સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારનું કામ શાંતિ અને સુમેળ, કાયદાનું શાસન અને બંધારણનું રક્ષણ કરવાનું છે, પરંતુ ભાજપ સરકારે દેશ અને દેશવાસીઓ પર હુમલો કર્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે કહ્યું કે મોદી સરકાર હિંસા અને ભાગલાની જનની બની ગઈ છે. સરકારે દેશને નફરતની આંધળી ગર્તામાં ધકેલી દીધો છે અને યુવાનોના ભાવિને અગ્નિની ભઠ્ઠીમાં સળગાવી દીધું છે.