બિન સચિવાલયની પરીક્ષા:  એક બે દિવસમાં સીટ રિપોર્ટ સોંપે તેવી શક્યતા, બુધવાર સુધીમાં નિર્ણય લેવાય તેવી સંભાવના

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિને લઈ સીટના રિપોર્ટમાં વિલંબની શક્યતા જોવા મળી રહી છે પણ એવું મનાય છે કે એક-બે દિવસમાં સીટ રિપોર્ટ સબમીટ કરશે. પરીક્ષામાં ગેરરીતિ મામલે રચાયેલી સીટની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં એફએસએલના નિષ્ણાતો પણ હાજર રહ્યા. જેના રિપોર્ટ મુજબ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓએ મોટું આંદોલન કર્યું હતું અને ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓની માંગણીના અનુસંધાને સીટની રચના કરવામાં આવી હતી.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવાનો મત વ્યક્ત થયો છે. સીટની ટીમ રિપોર્ટ મળ્યા પછી જ સીએમ રૂપાણી રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેશે. જોકે બેઠક પછી સીટના વડા કમલ દયાનીએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું અને માત્ર એટલું જ જણાવ્યું હતું કે પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે. દસ દિવસ આવતા સપ્તાહમાં પૂરા થાય છે અને સીટ રિપોર્ટ આપશે. આજે દસ દિવસની સીટ તપાસની મુદ્દત પૂરી થઈ રહી છે અને હાલ કોઈ પણ રીતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે સીટ ક્યારે રિપોર્ટ સુપરત કરશે.

સૂત્રો જણાવી રહ્યા છે કે પ્રાથમિક તારણોને આધારે સીટમાં રહેલા ગેડના અધિકારીઓ વહીવટી નિયમો અને પોલીસ ઓફિસર્સ પેપર લીકથી લઈને સીસીટીવી ફૂટેજ સહિતના તથ્યો સાથે રિપોર્ટ કરીને મંગળવારે રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યા છે ત્યારે બુધવારે મુખ્ય પ્રધાન દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.