નાગરિક્તા કાયદો:  વિરોધને ડામવા ગૃહ મંત્રાલયે ગુજરાત સહિત તમામ રાજ્યોને ઈશ્યુ કરી એડવાઈઝરી, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી તો થશે કાર્યવાહી

નાગરિકત્વ કાયદાના વિરોધમાં આસામથી દિલ્હી સુધીની દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે એડવાઈઝરી ઈશ્યુ કરી છે. ગૃહમંત્રાલયે હિંસક વિરોધને રોકવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી આપીને જણાવ્યું છે કે દેશના નાગરિકોની સલામતી અને તેમના જીવનની સુરક્ષા મહત્વપૂર્ણ છે.

ગુજરાત સહિત તમામ રાજ્યોને આ એડવાઈઝ ઈશ્યુ કરવામાં આવી છે. આસામ, ત્રિપુરા, દિલ્હી, પ.બંગાળ અને ઉત્તરપ્રદેશમાં નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયરગેસ સહિત ફાયરીંગ કરવાની પણ ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં ગૃહ મંત્રાલયે વિરોધ પ્રદર્શનને રોકવા માટે તાકીદ કરી છે.

અમિત શાહના નેતૃત્વ હેઠળના ગૃહ મંત્રાલયે લખ્યું છે કે કાયદો અને વ્યવસ્થા અને શાંતિ જાળવવા રાજ્યોએ પગલાં ભરવા જોઈએ. આ સાથે  કેન્દ્ર સરકારે રાજ્યોને પણ એક્ટ અંગે ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ફરતી કરાયેલી અફવાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને પણ એક્ટ સામે ચાલી રહેલા વિરોધને જવાબદાર ગણાવી છે.