દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદનાના બર્થ ડેની સુરતમાં ઉજવણી, CM રૂપાણીએ આપી હાજરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ઘર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સેફુદ્દીનનાં 76મા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં ઘર્મગુરૂ ડો.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના 109મા જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આ વેળાએ મુખ્યંત્રીએ દાઉદી વ્હોરા સમાજના 192 યુગલોના સમૂહલગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃધ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

ડો.સૈયદનાનાં શિક્ષણ, પર્યાવરણની ચિંતા કરી સમાજને શિક્ષિત, પ્રગતિશીલ બનાવવાના પ્રયાસોને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા. ડો.સૈયદના તેમના જ્ઞાન થકી સમાજ, રાજય અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.  મેયર જગદીશ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ,  સી.આર.પાટીલ, ધારાસભ્યો હર્ષ સંધવી, અરવિંદ રાણા, ઝંખના પટેલ, આ અવસરે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. આ ઉપરાંત સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલા, વક્ફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા, સુરતના આગેવાનો બાબાભાઈ એન્જિનિયર, અનીસ હકીમ, ડો.મોહસીન લોખંડવાળા, સુરત ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ મોહસીન મીર્ઝા સહિતના મુસ્લિમ આગેવાનો પણ હાજર રહ્યા હતા.