વિદ્યાર્થીઓની લડતનો વિજય: પ્રદીપસિંહ જાડેજાની મોટી જાહેરાત, બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ

ગુજરાત સરકારે બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિને લઈ સીટ દ્વારા મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ મામલે રચાયેલી સી ટની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં એફએસએલના નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા.. જેના રિપોર્ટ મુજબ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓએ મોટું આંદોલન કર્યું હતું અને ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓની માંગણીના અનુસંધાને સીટની રચના કરવામાં આવી હતી.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવાનો મત વ્યક્ત થયો છે. સીટની ટીમ રિપોર્ટનો રિપોર્ટ મળ્યા બાદ સીએમ રૂપાણીએ પરીક્ષા અંગે નિર્ણય કર્યો હતો. રિપોર્ટ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઈ હતી. જેમાં રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં સૌનો એક જ સૂર હતો કે ગુજરાતના યુવાઓના હિત માટે નિર્ણય લેવાવો જોઈએ. જે બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં 10 મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ મોબાઇલ ઉપર પરીક્ષના જવાબ લખતા દ્રશ્યો જોવા મળ્યા હતા, અમુક જગ્યાએ ઉમેદવારો એકબીજાને પૂછીને જવાબ લખતા જોવા મળ્યા હતા. ક્યાંય પણ નાની ત્રુટી રહી ગઈ હોય તો ચલાવી લેવા માંગતા નહોતા, તેથી ગુજરાતના યુવાનોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.