મોદી વેવમાં પણ રેકોર્ડ વોટથી જીતેલા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાનું ધારાસભ્ય પદ ગયું, જાણો આખો મામલો

ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ખોટી ઉંમર જણાવવાના આરોપમાં અબ્દુલ્લાનું ધારાસભ્ય પદ રદ્દ કરી દીધું છે. અબ્દુલ્લા આઝમ 2017માં રામપુર વિસ્તારમાં સ્વાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને આ તેમની પ્રથમ ચૂંટણી હતી.

આઝમ ખાન અને તન્ઝીન ફાતિમાના બે પુત્રો અદીબ આઝમ અને અબ્દુલ્લા આઝમ છે. અબ્દુલ્લા આઝમ નાના પુત્ર છે, જેમણે બી.ટેક પછી 2015માં નોઈડાની એક ખાનગી યુનિવર્સિટીમાંથી એમ.ટેક પૂર્ણ કર્યું હતું. આ પછી, 2017માં  અબ્દુલ્લાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સ્વરા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેઓ 26 વર્ષની ઉંમરે ચૂંટણી જીતીને યુપી વિધાનસભામાં સૌથી યુવા ધારાસભ્ય પણ બન્યા હતા.

ભાજપના મોજામાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું જોડાણ હાર્યું હતું, ત્યાં બહુજન સમાજ પાર્ટી પણ ખરાબ રીતે હારી ગઈ. આ બધું હોવા છતાં, આઝમ ખાન પોતાની બેઠક રામપુર અને પુત્ર અબ્દુલ્લાની સ્વાર બેઠક બચાવવામાં સફળ થયા હતા અને સપાએ બંને બેઠકો જીતી લીધી હતી.

અબ્દુલ્લા આઝમે ભાજપના ઉમેદવાર લક્ષ્મી સૈનીને 50 હજારથી વધુ મતોથી પરાજિત કર્યા હતા, જ્યારે બીએસપીના નવાબ કાઝીમ અલી ત્રીજા સ્થાને રહ્યા હતા. નવાબ કાઝીમ અલી સતત ત્રણ વખત કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. તેમણે 2002, 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પર સ્વરામાંથી ચૂંટણી જીતી હતી, પરંતુ 2017માં, જ્યારે તેમણે બસપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી, ત્યારે અબ્દુલ્લા આઝમે તેમને રેકોર્ડ બ્રેક મતોથી હરાવ્યા હતા.

અબ્દુલ્લા આઝમની જીત થઈ, પરંતુ નવાબ કાઝીમ અલીએ તેમની સામે ફરિયાદ કરી. કાઝીમ અલીએ આરોપ લગાવ્યો કે વધુ ઉંમર દર્શાવવા માટે જન્મના બનાવટી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે ચૂંટણી લડવામાં આવી હતી. નોંધનીય છે કે ચૂંટણી લડવાની 25 વર્ષની વયમર્યાદા છે અને એવો આરોપ છે કે ચૂંટણી લડતા સમયે અબ્દુલ્લાની નાની ઉંમર હતી, પરંતુ તેમણે બનાવટી દસ્તાવેજોના આધારે ચૂંટણી લડી હતી. યુપી વિધાનસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, અબ્દુલ્લા આઝમની જન્મ તારીખ 30 સપ્ટેમ્બર 1990 દર્શાવવામાં આવી છે.

આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ પર પણ બે બર્થ સર્ટિફિકેટ બનાવવાનો આરોપ હતો. આ આરોપ ભાજપન નેતાએ મૂક્યો હતો.આરોપમાં જણાવાયું હતું કે અબ્દુલ્લા આઝમનો જન્મ પ્રમાણપત્ર 28 જૂન, 2012ના રોજ રામપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી જારી કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણપત્ર આઝમ ખાન અને તન્ઝીન ફાતિમાની એફિડેવિટના આધારે આપવામાં આવ્યું હતું. આ પત્રમાં રામપુરને અબ્દુલ્લાનું જન્મસ્થાન બતાવવામાં આવ્યું છે.

ફરિયાદમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બીજો પ્રમાણપત્ર 21 જાન્યુઆરી, 2015 ના રોજ લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ક્વીન મેરી હોસ્પિટલના ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટના આધારે બનાવવામાં આવ્યો હતો. આમાં લખૌઉને અબ્દુલ્લાનું જન્મસ્થાન બતાવવામાં આવ્યું છે.

જોકે, આ બધી ફરિયાદોની વચ્ચે  બસપા નેતા નવાબ કાઝીમના આરોપોની અદાલતમાં સુનાવણી થઈ હતી અને સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટે અબ્દુલ્લા આઝમ સામે ચુકાદો આપ્યો હતો અને  તેમની ચૂંટણી રદ કરી હતી.