કલમ 370 રદ્દ  પણ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં જમીન ખરીદવી ખાવાના ખેલ નથી, આટલું કરો તો જ જમીન ખરીદી શકાશે

બંધારણની કલમ 371 હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને વિશેષ દરજ્જો આપવાની કોઈપણ દરખાસ્તના સમાચારોને કેન્દ્ર સરકારે નકારી કાઢ્યા છે. જોકે, આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેણાંક માટેના નવા નિયમો( ન્યૂ ડોમીસાઈલ રૂલ્સ) નોટીફાઈડ કરવામાં આવનારા છે. સૂત્રોએ સંકેત આપતા જણાવ્યું હતું કે, બંને પ્રદેશો માટે ડોમિસાઇલ પોલિસી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નવા નોટીફાઈડ નિયમમાં સમય મર્યાદા નક્કી કરવાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ બંને પ્રદેશોમાં રહેવાસીનો દરજ્જો મેળવવા માટે ત્યાં ઓછામાં ઓછા 15 વર્ષ રહેવાનો નિયમ સૂચવવામાં આવ્યો છે. જોકે, હજી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નવી ડોમીસાઈલ પોલિસી અંતર્ગત  બંને પ્રદેશોમાં જમીન ખરીદવાનો અધિકાર પણ ઓછામાં ઓછા 15 વર્ષ સુધી રહેશે તો તેને ત્યાં રહેવાનો અધિકાર મળશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 15 વર્ષ રહ્યા પછી જ્યારે તમને ત્યાં રહેવાસીનો દરજ્જો મળશે, ત્યારે રાજ્યની સિવિલ સર્વિસિઝની પરીક્ષા અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

જોકે, સરકારની યોજના અનુસાર બનેં પ્રદેશોના આ નિયમો કારખાનાઓ સ્થાપવા અથવા ધંધા કરવા માટે ઉત્સુક ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓને લાગુ પડશે નહીં. સરકારી તંત્ર સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ઉદ્યોગ અથવા વ્યવસાયિક એકમ સ્થાપવા તેમજ કામદારો અને અધિકારીઓના રહેઠાણ માટે કોલોની બનાવવા માટે તેમને જમીનની તાત્કાલિક માલિકી આપવામાં આવશે.”

કોઈપણ સામાન્ય નાગરિકને ડોમીસાઈલોપોલિસીનું પાલન કરવું પડશે, પરંતુ સિવિલ સર્વન્ટ્સ અને તેમના બાળકોને નિયમોમાંથી થોડી છૂટછાટ મળશે. એક અધિકારીએ જણાવ્યું કે, “ઘણા રાજ્યોના શાસનના આધારે સિવિલ સર્વિસિઝના કર્મચારીઓ અને તેમના બાળકોના ડોમીસાઈલને તેમનું કેડર રાજ્ય માનવામાં આવે છે.” હવેથી તમામ ભાવિ સિવિલ સર્વિસિઝના કર્મચારીઓને જમ્મુ-કાશ્મીરની જગ્યાએ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ એજીએમયુટી કેડર આપવામાં આવશે, તેથી તેમને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ડોમીસાઇલનો દરજ્જો આપતા પહેલા વિચાર કરવો પડશે. ‘

બીજી તરફ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે પણ કલમ 371 હેઠળ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને વિશેષ દરજ્જો આપવાની અફવાને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ(એનસી)નું કાવતરું ગણાવી હતી.