નાગરિક્તા કાયદો:  ગુવાહાટીમાં ઈજાગ્રસ્ત બેનાં મોત, મૃતકોની સંખ્યા થઈ ચાર, પ.બંગાળના પાંચ જિલ્લામાં નેટ બંધ

નાગરિકતા કાયદા અંગે ગુવાહાટીમાં વિરોધ પ્રદર્શન વચ્ચે ગોળીબારમાં ઘાયલ થયેલા વધુ બે લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ ફાયરીંગમાં મૃત્યુઆંક વધીને ચાર થઈ ગયો છે. આસામમાં સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે 16 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

દિબ્રુગઢના ડેપ્યુટી કમિશનર પલ્લવ ગોપાલ ઝાએ જણાવ્યું કે, આસામના દિબ્રુગઢમાં રવિવારે સવારે 7થી સાંજના 4 વાગ્યા સુધી કરફ્યુ હળવો કરવામાં આવ્યો હતો. નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ મોટી સંખ્યામાં વિરોધીઓ આસામના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. દેખાવકારોની પોલીસ સાથેની  અથડામણના કારણે રાજ્યમાં અરાજકતાની સ્થિતિ સર્જાઇ છે. ગુવાહાટીમાં પોલીસે દેખાવકારોને વિખેરવા ટીયરગેસનો ઉપયોગ પણ કર્યો હતો. દેખાવકારો બિલ વિરુદ્ધ હિંસા પર ઉતર્યા બાદ બુધવારે સેનાને બોલાવવામાં આવી હતી.

ખોંગસાઇએ જણાવ્યું હતું કે જ્યાં પણ આર્મી અને આસામ રાયફલ્સના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, તેઓ સ્થિતિને રાબેતા મુજબ કરવામાં લાગી ગયા છે. આસામ તેના ઇતિહાસના સૌથી હિંસક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. રેલ્વે સ્ટેશન, કેટલીક પોસ્ટ ઓફિસ, બેંકો, બસ ટર્મિનલ અને અન્ય અનેક જાહેર મિલકતો બળીને ખાખ થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સુધારો કાયદા સામે થયેલા હિંસક વિરોધને ધ્યાનમાં રાખીને પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે અફવાઓ અને બનાવટી સમાચારો, ખાસ કરીને સોશિયલ મીડિયા પર રોકવા માલદા, મુર્શિદાબાદ, હાવડા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણાના ઘણા ભાગોમાં અસ્થાયી રૂપે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.