સુરતીઓની લોક લડતનો વિજય: કામરેજ-ભાટીયા ટોલ પ્લાઝા પર હવે સુરતીઓને ટોલ ભરવાની જરૂર નહીં, પણ ફાસ્ટટેગથી સાચવજો

સુરતના નેશનલ હાઈવે પર આવેલા કામરેજ-ભાટીયા ટોલ પ્લાઝા પર સુરતીઓ પાસેથી ટોલ ટેક્સની વસૂલાત કરવાના મામલે ચાલેલી લાંબી લડતનો અંત આવ્યો છે. નવસારીના સાંસદ સીઆર પાટીલે જાહેર કર્યું છે કે કોન્ટ્રાક્ટર સાથે મીટીંગ થયા બાદ કામરેજ ટોલ પ્લાઝા પર હવેથી સુરતીઓએ ટોલ ટેક્સ ભરવાની જરૂર રહેશે નહીં.

પાછલા કેટલાક દિવસોથી કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા પર સુરત પાસીંગની ગાડીઓ પાસેથી પણ ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી હતી. જેને લઈને કોંગ્રેસના નેતા દર્શન નાયકની આગેવાનીમાં ના-કર સમિતિની રચના કરવામાં આવી રહી હતી અને ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો દ્વારા સતતને સતત સુરતીઓ પાસેથી ટોલ ટેક્સ નહીં લેવા માટે લડત શરૂ કરવામાં આવી હતી. આવતીકાલે કામરેજ ટોલ પ્લાઝા ખાતે ના-કર સમિતિ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી પણ આ દેખાવ થાય તે પહેલાં સાંસદ સીઆર પાટીલે જાહેર કર્યું છે કે ટોલ પ્લાઝાના કોન્ટ્રાકટર સાથે સમાધાન થયું છે અને સુરતીઓ પાસેથી હવે ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં.

સાંસદ સીઆર પાટીલે જણાવ્યું કે ટોલ પ્લાઝા પર હવે બન્ને તરફ ફ્રી ગાડીઓ માટેના અલગ કાઉન્ટર બનાવવામાં આવશે અને સુરતીઓએ ફરજિયાતપણે ત્યાંથી જ પસાર થવાનું રહેશે. બન્ને તરફ ફ્રી ઝોનમાંથી ગાડીઓ પસાર કરવાની રહેશે. આ ઉપરાંત ફાસ્ટટેગમાંથી ગાડી લઈ જવાનું રહેશે નહીં.

તેમણે કહ્યું કે જો કોઈ ફાસ્ટટેગમાંથી ગાડી લઈ જવા માંગતો હશે તો તેને ટોલમાંથી 75 ટકાની મૂક્તિ આપવામાં આવશે. આ પહેલાં પાસ સહિતની સિસ્ટમ કાર્યરત હતી. સુરતીઓ પાસેથી 30 રૂપિયા લેવામાં આવતા હતા તેમાંથી હવે સૂરતીઓને મૂક્તિ મળી છે. ખાસ કરીને ફાસ્ટટેગથી સાચવવાની જરૂર છે. ફ્રી ઝોનમાં લાઈન હોય તો પણ ટોલ ટેક્સ નહીં ભરવા માટે સુરતીઓએ આટલું સહન કરવાનું રહેશે.

તેમણે સુરતીઓ પાસેથી ટોલની ઉઘાડી લૂંટનું ઠીકરું કોંગ્રેસના માથે ઢોળ્યું હતું અને કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ટોલ પ્લાઝાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને તેમાં લોકલ ગાડીઓ પાસેથી પણ ટોલની વસૂલાત કરવાની શરત મૂકવામાં આવી હતી. કોંગ્રેસ જે દેખાવ કરી રહી છે, પણ હકીકતમાં કોંગ્રેસ જ ટોલ ટેક્સ માટે જવાબદાર છે. કોંગ્રેસને આંદોલન કરવાનો અધિકાર રહેલો નથી.