રાહુલ ગાંધીના નિવેદનથી ભડકી શિવસેના, કહ્યું “વીર સાવરકરનું અપમાન ન કરો”,

રાહુલ ગાંધીના ‘સાવરકર’ નિવેદન અંગે શિવસેનાનો જવાબ આવી ગયો છે. રાહુલ ગાંધી દ્વારા નિવેદન અપાયું હતું કે  ‘મારું નામ રાહુલ સાવરકર નથી’. આ અંગે શિવસેનાએ કડક પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે હિન્દુત્વના વિચારક પ્રત્યે શ્રદ્વાને ળઈ કોઈ સમજૂતી કરી શકાય નહીં.

હકીકતમાં ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદનમાં ભાજપ રાહુલ ગાંધીની માફીની માંગ કરી રહ્યો છે, પરંતુ શનિવારે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમનું નામ રાહુલ સાવરકર નથી, તેઓ ક્યારેય માફી નહીં માંગે. જોકે, મહારાષ્ટ્ર સરકારના સાથી પક્ષ શિવસેનાએ રાહુલ ગાંધીને સાવરકરનું અપમાન ન કરવા શિખામણ આપી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમે મહાત્મા ગાંધી અને પંડિત નહેરુનું સન્માન કરીએ છીએ. કૃપા કરી વીર સાવરકરનું અપમાન ન કરો. જે સમજુ છે તેને વધુ કહેવાની જરૂર નથી.

સંજય રાઉતે તેમના ઓફિશિયલ ટવિટર અકાઉન્ટમાં મરાઠી ભાષામાં ટવિટ કર્યું છે, જેનો અર્થ છે – ‘વીર સાવરકર ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશના દેવતા છે. સાવરકરના નામમાં રાષ્ટ્રીય ગૌરવ અને આત્મગૌરવ છે. નહેરુ અને ગાંધીની જેમ સાવરકરે પણ આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. આવા દરેક ભગવાનનું સન્માન થવું જોઈએ. જય હિન્દ ‘

હકીકતમાં  કોંગ્રેસની દિલ્હીમાં યોજાયેલી ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમનું નામ રાહુલ ગાંધી છે, ‘રાહુલ સાવરકર નથી અને તેઓ ક્યારેય સત્ય બોલવા બદલ માફી માંગશે નહીં. ભાજપે ગાંધીને તેમના “રેપ ઈન ઈન્ડીયા” નિવેદન બદલ માફી માંગવાની માંગ કરી હતી. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી સરકારમાં સામેલ છે.