મુંબઈમાં મેટ્રો ટ્રેનના કારશેડ માટે આરે કૉલોનીમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં બે હજાર ૧૧ ઝાડ કાપવામાં આવ્યા હતા. એ માટે લગભગ 2 કરોડ 70 લાખ 16 હજાર 989 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે એક ઝાડ કાપવા પાછળ 13 હજાર 434 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રાઈટ ટુ ઈર્ન્ફોમેશન ઍક્ટ હેઠળ આનંદ ભંડારેએ આરે કૉલોનીમાં ઝાડ કાપવા માટે કુલ કેટલો ખર્ચ થયો? એની મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) પાસે માહિતી માગી હતી, તેમાંથી આ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે.
આરે કૉલોનીમાં ચારથી છ ઑક્ટોબર દરમિયાન મેટ્રોના કારશેડ માટે બે હજારથી વધુ ઝાડ કાપવામાં આવ્યા હતા. આ ઝાડ કાપવા સામે પર્યાવરણપ્રેમીઓનો પહેલાથી જ વિરોધ હતો. તેમાં અચાનક મધરાતે આ ઝાડોને કાપી નાખવામાં આવ્યા હતા. આ ઝાડ કાપવા માટે થયેલા ખર્ચાની માહિતી આનંદ ભંડારેએ એમએમઆરસીએલ પાસે માગી હતી.
રાઈટ ટુ ઈર્ન્ફોમેશન ઍક્ટ હેઠળ અરજીનો એક મહિનામાં જવાબ આપવો અપેક્ષિત હતો. આ પ્રકરણમાં એમએમઆરસીએલ દ્વારા જવાબ આપવાનું ટાળવામાં આવી રહ્યું હતું. 15 ઑક્ટોબરના એમએમઆરસીએલને અરજી કરવામાં આવી હતી, તેનો જવાબ છેક 9 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો હતો. એક મહિનામાં અરજીનો જવાબ નહીં આવતા તેમણે અપીલ પણ કરી હતી. ત્યારબાદ છેક 9 ડિસેમ્બરના તેનો જવાબ મળ્યો હતો. એમએમઆરસીએલના જવાબ બાદ તેમના કારભાર સામે સવાલ થઈ રહ્યાં છે.