સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાના વિસ્તારોમાં દીપડાઓએ આતંક મચાવ્યો છે. આ અંગે કોંગી ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં ઉગ્ર રજૂઆત બાદ ત્રણ ધારાસભ્યો દિલ્હી દરબારમાં પહોંચી, વન મંત્રાલયમાં રજૂઆત કરી હતી.
સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં દીપડાઓએ આતંક મચાવી 17 લોકોને ફાડી ખાધા છે અને સંખ્યાબંધને ઘાયલ કર્યા છે. આ અંગે ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ ગુજરાત વિધાનસભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ એક માનવભક્ષી દીપડાને ઠાર કરાયો છે. અને મોટી સંખ્યામાં દીપડાઓને પકડયા છે. જો કે મોટાભાગનાઓને છોડી મૂક્યા છે.
પરિણામે સૌરાષ્ટ્રના છ જિલ્લાના લોકો ભય હેઠળ ફફડી રહ્યા છે. છતાં રાજ્ય સરકાર દ્વારા નક્કર કામગીરી ન કરાતા અંતે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા દિલ્હી કેન્દ્રીય વન મંત્રાલયને રજૂઆત કરવા દિલ્હી પહોંચ્યા હતા અને કેન્દ્રીય વન મંત્રી તથા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટને એક પત્ર પાઠવી દીપડાનાં આતંકને નાથવા માંગણી કરી હતી.
કેન્દ્રીય વન સત્તાવાળાઓએ કોંગી ધારાસભ્યોની રજૂઆતો સાંભળી યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી. કોંગી ધારાસભ્યોએ દીપડાઓ માટે અલગ નિવાસ ઉભો કરવા માંગણી કરી હતી. જો કે માત્ર દીપડાઓ માટે આ સુવિધા શક્ય જણાતી નથી.
દીપડાઓનાં ત્રાસથી કેન્દ્રીય વન મંત્રાલયને અવગત કરવામાં આવ્યા છે. પરંતુ રાજ્ય સરકારના અભિપ્રાય વગર કેન્દ્ર સરકાર આ દિશામાં કોઇ ઠોસ કદમ ઉઠાવે તેવી શક્યતા જણાતી નથી. આ માટે રાજ્ય સરકાર દ્વારા ભલામણની આવશ્યકતા રહે છે.