નાગરિકતા સુધારા કાયદા અંગે રાજકીય હંગામા અને પૂર્વોત્તરના રાજ્યોમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફેરફારના સંકેત આપ્યા છે. ઝારખંડના ગિરિડીહમાં ચૂંટણી રેલી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ મને (કાયદામાં) કેટલાક ફેરફાર કરવા કહ્યું છે. મેં તેમને (સંગમા) ક્રિસમસ પછી મળવા કહ્યું છે. અમે મેઘાલયના ઉકેલો શોધવા માટે રચનાત્મક રીતે વિચારી શકીએ છીએ. કોઈએ ડરવાની જરૂર નથી.
આ અગાઉ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું હતું કે તેઓ રાજ્યના લોકોના અધિકારોની સુરક્ષા માટે સમર્પિત છીએ. નાગરિકત્વ કાયદા અંગે અમિત શાહનું નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ((6 રાજ્યો) એ પહેલાથી જ સંકેત આપી દીધા છે કે તેઓ તેમના રાજ્યોમાં નાગરિકત્વ કાયદો લાગુ નહીં કરે.
દરમિયાન ગિરિડીહ, બાગમારા અને દેવઘર મત વિસ્તારોની ચૂંટણી જાહેર સભાઓમાં અમિત શાહે કોંગ્રેસ પર નાગરિકતા (સુધારા) અધિનિયમ સામે હિંસા ભડકાવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કહ્યું, ‘અમે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ લાવ્યા છીએ અને કોંગ્રેસ દુખી થવા લાગી છે. કોંગ્રેસ હિંસા ભડકાવી રહી છે. ‘ અમિત શાહે પૂર્વોત્તરના લોકોને ખાતરી આપી હતી કે તેમની સંસ્કૃતિ, ભાષા, સામાજિક ઓળખ અને રાજકીય અધિકારો અધિનિયમથી પ્રભાવિત નહીં થાય.
ભાજપ પ્રમુખે કહ્યું કે, ‘હું આસામ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોના લોકોને ખાતરી આપવા માંગું છું કે તેમની સંસ્કૃતિ, સામાજિક ઓળખ, ભાષા, રાજકીય અધિકારને સ્પર્શ કરવામાં નહીં આવે. નરેન્દ્ર મોદી સરકાર તેમની સુરક્ષા કરશે.
બીજી તરફ નાગરિકતા સુધારા કાયદા સામે આસામમાં સ્થિતિ તંગ છે. સંસદમાં બિલ મૂક્યા બાદથી જ ઉત્તર પૂર્વ સહિત આસામના જુદા જુદા વિસ્તારોમાં હિંસક વિરોધ શરૂ થયો છે.
દરમિયાન, આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતનું કહેવું છે કે, રાજ્યની પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે અને દેખાવકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુવાહાટીમાં સતત બીજા દિવસે કરફ્યુ હળવો કર્યા બાદ જરૂરી કામ માટે લોકો બહાર નીકળ્યા હતા. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે રાજ્યના લોકોના હક્કોના રક્ષણ માટે સમર્પિત છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં હિંસક વિરોધ તીવ્ર બની રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ છતાં પણ આગજની અને હિંસાની ઘટનાઓ અટકી નથી. હિંસક પ્રદર્શનનોની આંચથી રાજ્યના ચાર જિલ્લાઓ ખરાબ રીતે અસરગ્રસ્ત છે. બસો, ટ્રેનો, પોલીસ વાહનો અને રેલ્વે સ્ટેશનોને દેખાવકારોએ નિશાન બનાવ્યા છે. પોલીસ સાથે પણ અનેક જગ્યાએ હિંસક અથડામણના અહેવાલો પણ મળી રહ્યા છે. હિંસક દેખાવોને કારણે 28થી વધુ લાંબા-અંતરની ટ્રેનોને રદ કરવામાં આવી છે.