ફરી એક વાર બ્રાવો પેડ બાંધીને મેદાનને ધમરોળવા આવી રહ્યો છે…

વેસ્ટ ઈન્ડિઝનો ઓલ-રાઉન્ડર ડ્વેઈન બ્રાવોએ રાષ્ટ્રના ક્રિકેટ બૉર્ડ જોડેથી કડવાશભરી રીતે છૂટો થવાના એક વર્ષથી થોડા વધુ સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના પુનરાગમનની જાહેરાત કરી હતી. બ્રાવોએ કહ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બૉર્ડ (ડબ્લ્યુ. આઈ. સી. બી.)ના ટોચના હોદ્દે બદલાવ પછી તેણે આ નિર્ણય કર્યો છે.

ભૂતપૂર્વ ટીમ મૅનેજર રિકી સ્કેરિટે ડેવ કેમેરોનની બદલીમાં ક્રિકેટ બૉર્ડનું પ્રમુખપદ આ વર્ષે અગાઉ સંભાળ્યું હતું. 36 વર્ષના બ્રાવોએ બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું કે વહીવટતંત્રમાં થયેલા ફેરફારના કારણે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુન:પ્રવેશનો નિર્ણય લીધો છે.

બ્રાવોના નેતૃત્વ હેઠળ વેસ્ટ ઈન્ડિઝ ટીમ તેના ક્રિકેટ બૉર્ડ જોડે નાણાંની ચુકવણી માટેના વિવાદમાં ભારત ખાતે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીનો પ્રવાસ અધવચ્ચેથી છોડી જવા પછી તેને કેમેરોન જોડે ભારે તકરાર થઈ હતી અને બ્રાવોએ કેટલાક ખેલાડીની કારકિર્દી નાશ કરવાનો કેમેરોન સામે આક્ષેપ કર્યો હતો.

કેરેબિયન ટીમ મર્યાદિત ઓવરની મેચો રમવા હાલ ફરી ભારત ખાતેના પ્રવાસે છે જ્યાં તે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી આયોજક રાષ્ટ્ર વિરુદ્ધ 1-2થી હારી ગઈ હતી અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણી રવિવારથી રમાનાર છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમનું વર્તમાનમાં સુકાન કિરોન પોલાર્ડ કરી રહ્યો છે અને કોચ તરીકે ફિલ સિમન્સ છે.

બ્રાવોએ 2018માં પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી, પણ સપ્ટેમ્બર 2016થી તે વેસ્ટ ઈન્ડિઝ વતી રમ્યો નથી. તે છેલ્લી વેળા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંયુક્ત આરબ અમિરાતમાં પાકિસ્તાન સામે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો હતો. બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ વતી 40 ટેસ્ટ, 164 વન-ડે ઈન્ટરનેશનલ અને 66 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને બધા ફોર્મેટની ક્રિકેટમાં તેણે કુલ 6,310 રન કર્યા છે તથા 337 વિકેટ લીધી છે.

આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (આઈ. પી. એલ.), લાહોર કલન્ડર્સ (પી. એસ. એલ.), મેલબર્ન રેનેગેડ્સ (બી. બી. એલ.), ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ (સી. પી. એલ.), વિન્નીપેગ હૉક્સ (કૅનેડા)ની વિવિધ ટીમો વતી ટી-20 ક્રિકેટમાં રમતો રહ્યો છે. તે તાજેતરમાં મરાઠા અરેબિયન્સની ટીમ વતી રમ્યો હતો જેણે અબુધાબી ટી-10 લીગ જીતી હતી