ગભરાયેલા પાકિસ્તાને પીઓકેનું નામ બદલ્યું,જાણો શું નામ રાખ્યું?

પાકિસ્તાને પચાવી પાડેલ કાશ્મીરને પાછું લેવાના ભારતના નિર્ધારથી ગભરાઇને ત્યાંની સરકારે પીઓકેનું નામ ‘આઝાદ કાશ્મીર’થી બદલીને ‘જમ્મુ અને કાશ્મીર પ્રશાસન સેવા’(જમ્મૂ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેશન સર્વિસિઝ) કરવાની જાહેરાત કરી હતી.  નામ બદલાવા સાથે ત્યાંની રાજકીય વ્યવસ્થામાં પણ ફેરફાર થશે.

પાકિસ્તાન સરકારે જાહેર કરેલા શ્વેતપત્રમાં જણાવ્યા અનુસાર આઝાદ જમ્મુ અને કાશ્મીરના રાષ્ટ્રપતિએ તાત્કાલિક ધોરણે ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર મેનેજમેન્ટ’નું નામ ‘જમ્મુ અને કાશ્મીર પ્રશાસન સેવા’કરવાનો આદેશ આપ્યો છે.

એવી વાત વહેતી થઇ છે કે કાશ્મીરનો આ હિસ્સો કાયદાની દૃષ્ટિએ ભારતનો છે, પણ વડા પ્રધાન ઇમરાન ખાન એને પાકિસ્તાનમાં ભેળવીને દેશનો પાંચમો પ્રાંત બનાવવા માગે છે. પાકિસ્તાનના પ્રાંતોમાં રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન છે, પણ પીઓકેમાં હંમેશા અલગ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન હોય છે. કેટલાક દિવસ અગાઉ પીઓકેના વડા પ્રધાન ફારુક હૈદર ખાને એવો દાવો કર્યો હતો કે કદાચ પોતે પીઓકેના છેલ્લાં વડા પ્રધાન હશે.

પીએમ મોદી સરકારે વારંવાર પીઓકેને ફરીથી ભારતમાં મેળવવા વિશે કરેલી જાહેરાત બાદ ઇમરાને સંસદમાં જણાવ્યું હતું કે મને ડર છે કે ભારત પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં કઇંક મોટું કારસ્તાન કરવા માગે છે.

એવી વાત ચર્ચાઇ રહી છે કે પાકિસ્તાન કદાચ પીઓકેને ખૈબર પખ્તુન્ખાવ પ્રાંત સાથે ભેળવી દેશે અથવા તો નવો પ્રાંત બનાવશે.