નાગરિકતા કાયદો: જેડીયુમાં ઉભી તિરાડ, પ્રશાંત કિશોરની રાજીનામાની ઓફર, બિહારમાં NRC લાગુ નહીં થાય

નાગરિક્તા સંશોધન કાયદાને બિહારમાં નીતિશકુમારની જેડીયુમાં ઉભી તિરાડ જોવા મળી રહી છે. મુસ્લિમ ધારાસભ્યો સતત સરકાર પર પ્રેશર કરી રહ્યા છે તો બિલને સમર્થન આપનારા જેડીયુના ધારાસભ્યો વિરુદ્વ મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાનમાં પ્રશાંત કિશોરે જેડીયુમાંથી રાજીનામું આપવાની ઓફર કરતા નીતિશ કુમાર ફિક્સમાં મૂકાઈ જવા પામ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાંત કિશોરના રાજીનામાને નામંજુર કરવામાં આવ્યું છે.

નાગરિકતા સુધારો કાયદાને લઈ જેડીયુ બે ભાગમાં વહેંચાયેલી જોવા મળી રહી છે. પ્રશાંત કિશોરની આગેવાનીમાં પવન વર્મા, ગુલામ રસૂલ બાલિયાવી સહિતના ઘણા નેતાઓએ  બિલને સમર્થન આપવાના પક્ષના નિર્ણયને જાહેરમાં અયોગ્ય ગણાવ્યો હતો. જ્યારે આરસીપી સિંહની આગેવાની હેઠળના પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ બિનશરતી રીતે બિલને ટેકો આપ્યો હતો અને પ્રશાંત કિશોર જેવા નેતાઓ પર આડકતરી રીતે હુમલો પણ કર્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, પ્રશાંત કિશોર નીતિશ કુમારને મળ્યા તે દિવસે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જાહેરાત કરી હતી કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની સાથે કામ કરશે. પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ચૂંટણીની રણનીતિ પર પણ કામ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાંત કિશોર અને નીતીશ કુમાર વચ્ચેની વાતચીતમાં પણ એનઆરસીનો મામલો ઉભો થયો હતો. પ્રશાંત કિશોરે મુદ્દો ઉઠાવતા નીતિશ કુમારે તેમને ખાતરી આપી હતી કે બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમાર આગામી કેટલાક દિવસોમાં  આ અંગે જાહેરાત પણ કરી શકે છે. આજ સુધી નીતીશ કુમારનો સ્ટેન્ડ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્વનો રહ્યો છે અને જેડીયુ દ્વારા તેનો અવારનવાર વિરોધ પણ કરવામાં આવ્યો છે.

નોંધનીય વાત એ છે કે આસામમાં પણ જેડીયુના કેટલાક નેતાઓ નાગરિકતા સંશોધન બિલનો સરેઆમ વિરોધ કરી રહેલી પાર્ટીઓને સમર્થન આપી રહ્યા છે. જો  નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યા પછી નીતિશ કુમારે હવે એનઆરસીનો વિરોધ કરે છે, તો નવો રાજકીય ખેલ શરૂ થશે એ નિશ્ચિત છે.