અસલી વંશ ન દેખાડતા ‘તાન્હાજી’ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ

અજય દેવગણ સ્ટારર ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ પર હવે નવો વિવાદ ઊભો થયો છે. અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજપૂત સંઘે દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ યાચિકા દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડિરેક્ટર ઓમ રાઉતે ફિલ્મમાં તાન્હાજીના અસલી વંશને દેખાડ્યો નથી. તેમણે કોર્ટને સેન્સર બોર્ડને આદેશ આપવાની અપીલ કરી છે કે ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં ન આવે.

સંઘનો દાવો છે કે ફિલ્મમાં તાન્હાજીને મરાઠા કમ્યુનિટીના બતાવવામાં આવ્યા છે જ્યારે તેમનો અસલી વંશ ક્ષત્રિય મહાદેવ કોળી હતો. યાચિકા શુક્રવારે કોર્ટ સમક્ષ આવી. પરંતુ જજ ન હોવાને કારણે કેસ પર સુનાવણી થઇ ન શકી. હવે ૧૯ ડિસેમ્બરના રોજ સુનાવણી થશે.

અગાઉ આ ફિલ્મના નામને લઈને વિવાદ થયો હતો. મરાઠી જાણકારોએ આરોપ લગાવ્યો હતો કે મેકર્સે અસલી નામ તાનાજીને બદલે તાન્હાજી લીધું છે. જોકે, ડિરેક્ટરે આ બાબતે સફાઈ આપતા કહ્યું હતું કે તેમના પૂતળા નીચે પણ તાન્હાજી જ નામ લખ્યું છે. ઇતિહાસ ખોલીને જોઈ લો તેમનું નામ ત્યાં પણ તાન્હાજી છે.