મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સહિત આ 6 રાજ્યોમાં નહીં લાગુ થાય નાગરિકતા કાયદો? જાણો શું કહે છે નેતાઓ?

નાગરિકતા સુધારો કાયદાને લઇને ઉત્તરપૂર્વમાં હિંસક વિરોધ ચાલુ છે, ત્યારે કેટલાક રાજ્ય સરકારોએ તેમના રાજ્ય માં તેનો અમલ કરવાનો ઇનકાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને પંજાબ પછી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકારે હવે સંકેત આપ્યો છે કે તેઓ આ કાયદાનો અમલ નહીં કરવાનો નિર્ણય લઈ શકે છે. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અને ઉદ્ધવ સરકારના પ્રધાન બાલાસાહેબ થોરાટએ આવા પ્રકારના સંકેત આપ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે સંસદમાં નાગરિકત્વ (સુધારા) બિલ પસાર કરીને અને તેનો કાયદો બનાવીને કેન્દ્ર સરકાર અમને તેનું પાલન કરવાની ફરજ પાડી શકે નહીં. બીજી તરફ, છત્તીસગઢે પણ હવે તેનો અમલ નહીં કરવાના સંકેત આપ્યા છે. આવી સ્થિતિમાં હવે કુલ 6 રાજ્યો થયા છે, જે આ કાયદાના સીધા વિરોધમાં જોવા મળે છે.

કમલનાથે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી નાગરિકત્વ કાયદા અંગે જે પણ સ્ટેન્ડ લે છે તેનું પાલન કરીશું. અમે એવી પ્રક્રિયાના ભાગ બનવા માંગતા નથી કે જેના બીજ ભેદભાવપૂર્ણ રહ્યા હોય. બાલા સાહેબ થોરાટે કહ્યું કે, અમે પાર્ટીના નેતૃત્વની નીતિનું પાલન કરીશું. નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસે આ બિલનો જોરદાર વિરોધ કર્યો છે. બીજી તરફ છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે પણ કહ્યું છે કે તેમનો નિર્ણય પણ આ કાયદા અંગે પક્ષના નેતૃત્વનો નિર્ણય છે.

આ અગાઉ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘની ઓફિસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં તેનો અમલ કરવામાં નહીં આવે. આ સાથે જ કેરળના સીએમ પિનરઈ વિજયને પણ કહ્યું છે કે તેઓ પણ આ કાયદાને સ્વીકારતા નથી. તેને ગેરબંધારણીય ગણાવતાં વિજ્યને કહ્યું કે કેન્દ્ર સરકાર ધાર્મિક આધારો પર ભારતને વહેંચવાનો પ્રયાસ કરી રહી છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારના પ્રધાન ડેરેક ઓબ્રાયને કેન્દ્ર સરકાર પર વચનભંગનો આરોપ લગાવ્યો હતો કે એનઆરસી અને સીએબી બંને પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરવામાં આવે. ઓબ્રાયને કહ્યું કે સીએમ મમતા આ પહેલા પણ કહી ચૂક્યા છે.

નોંધનીય છે કે નાગરિકતા સુધારો કાયદાને લઇને આસામ, મેઘાલય અને ત્રિપુરાના ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં તંગ પરિસ્થિતિ છે. 22 ડિસેમ્બર સુધી આસામની શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. સેના અને પોલીસ તૈનાત હોવા છતાં આંદોલનકારીઓ કરફ્યુનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સામે કરેલી અપીલનો કોઈ પ્રભાવ પડ્યો હોય એવું જણાતું નથી.

ગુરુવારે દેખાવકારોએ આસામમાં મુસાફરોથી ભરેલી ટ્રેનમાં આગ લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાજ્યમાં પોલીસ ગોળીબારમાં અત્યાર સુધીમાં 2 લોકો માર્યા ગયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. દરમિયાન વહીવટીતંત્રે દિબ્રુગઢમાં સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી કરફ્યુમાં ઢીલ આપી છે, જ્યારે મેઘાલયમાં દેખાવો ચાલુ છે.