ગુરુ દેવો ભવ:  સાબરકાંઠામાં આચાર્યની બદલી અટકાવવા વિદ્યાર્થીઓ પડ્યા મેદાને, ગાંધીગીરી સાથે ઉચ્ચારી ચીમકી

એવું કહેવાય છે કે ગુરુ દેવો ભવ: અને આ વાત જ્યારે વાસ્તવિક જીવનમાં જોવા મળે ત્યારે આંખો પહોળી થઈ જાય છે. સાબરકાંઠાની શાળાના આચાર્યની બદલી થતાં શાળાના વિદ્યાર્થીઓ બદલી અટકાવવા મેદાને પડ્યા છે અને ધારાસભ્ય સુધી રજૂઆતનો મારો ચલાવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં બનેલી આ ઘટના આચાર્ય અને વિદ્યાર્થીઓ વચ્ચેના લાગણીભર્યા સંબંધો જ નહીં પણ ગુરુ ભાવનાને પણ ઉજાગર કરતી જોવા મળી રહી છે.

આજે વહેલી સવારે પ્રાંતિજની મૌછા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાત વાગ્યે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે પહોંચી ગયા હતા.ધારાસભ્યે વિદ્યાર્થીઓને આવકાર્યા અને તેમની રજૂઆત સાંભળી હતી.

પ્રાંતિજની શાળાના વિદ્યાર્થીઓએ અજબ પ્રકારની ગાંધીગીરી કરી હતી. આચાર્યની બદલી અટકાવવા હાથમાં સરસ્વતી માતાનો ફોટો લઈ ધારાસભ્ય ગજેન્દ્રસિંહના ઘરે પહોંચી ગયા હતા અને આચાર્યની બદલી અટકાવવામાં નહીં આવે તો આત્મહત્યા કરવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ધમકી બેનર રૂપે પણ જોવા મળી હતી.

ધારાસભ્ય ગજેન્દ્રસિંહે જણાવ્યું કે બદલી અટકાવવી મારા હાથમાં નથી. તેમ છતાં હું બદલી ન થાય તેના માટે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરીશ.