એસટીના પેસેન્જરો તફડાવ્યા તો થશે આવી મોટી કાર્યવાહી, રાજકોટમાં 40 ગાડીઓ સાણસામાં

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસ . ટી . ડિવિઝનની રાજકોટ સિક્યુરિટી સ્ક્વોડ દ્વારા રાજકોટ સિટી પોલીસની મદદથી તાજેતરમાં રાજકોટના વિસ્તારોમાં ચેકિંગ કરી એસટી બસના મુસાફરો છીનવી જતા ખાનગી ટ્રાવલ્સ તેમજ અન્ય ખાનગી વાહન ચાલકો સામે ધોંસ બોલાવવામાં આવી હતી જેમાં બસ અને કાર સહિત 40 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગઇકાલે સિક્યુરિટી સ્ક્વોડના ચેકીંગના અંતે 40 વાહનો પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં બે સ્લીપર બસ, બે મીની બસ, બે ઈનોવા કાર અને 34 ઇકો કારનો સમાવેશ થાય છે. ગાંડલ રોડ ચોકડી, માધાપર ચોકડી, કે.કે. વી ચોક અને ગ્રીનલેન્ડ ચોકડી તેમજ શાસ્ત્રીમેદાન એસટી બસ સ્ટેશન વિસ્તાર અને આજી ડેમ ચોકડી વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. કામગીરીમાં પ્રહલાદસિંહ રાણા જોડાયા હતા. ખાનગી વાહનોમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારીને એસ.ટી. બસમાં બેસાડવામાં આવ્યા હતા.