આ ગાંધીના કારણે સિદ્વુની પંજાબ સરકારમાં થશે વાપસી, બની શકે છે ડેપ્યુટી CM

નવજોત સિંહ સિદ્ધુની પંજાબ મંત્રીમંડળમાં પરત ફરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચા છે કે ટૂંક સમયમાં નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર પંજાબ મંત્રીમંડળમાં જોરદાર વાપસી કરશે અને આ વખતે તેમને ઉચ્ચ સ્થાન આપવામાં આવશે. સિદ્ધુને ડેપ્યુટી સીએમ બનાવી શકાય છે. જો સૂત્રોની વાત માનીએ તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતે સિદ્ધુને પંજાબના નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઇચ્છા રાખે છે અને આ સંદર્ભમાં તેમણે કેપ્ટન અમરિંદર સિંહ સાથે વાત પણ કરી છે.

એવું માનવામાં આવે છે કે પાર્ટીથી નારાજ એવા પંજાબ કોંગ્રેસના ધારાસભ્યોને સંતુષ્ટ કરવા અને નવજોતસિંહ સિદ્ધુને આમ આદમી પાર્ટી અને ભાજપ તરફથી પોતાની તરફ ખેંચવાના નિવેદનોને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડ નવજોતસિંહ સિદ્ધુ હવે સાઈડ લાઈન કરવા માંગતું નથી.

પ્રિયંકા ગાંધીના પ્રયાસોના કારણે નવજોત સિંહ સિદ્ધુ કેબિનેટમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે અને તેમને ડેપ્યુટી સીએમ પદ પણ મળી શકે છે. આ બાબતે પંજાબ કોંગ્રેસના તમામ નેતાઓ અને પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડ જોખી-જોખીને બોલી રહ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુના કેબિનેટમાં ડેપ્યુટી સીએમ તરીકે જોરાદાર પાછા ફરવાના સમાચારોને સુનિલ જાખડ નકારી શક્યા નહીં, પરંતુ બોલને હાઈકમાન્ડની કોર્ટમાં મૂકીને કહ્યું કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે માન્ય રહેશે. બીજી તરફ  પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહના રાજકીય સલાહકાર અને ધારાસભ્ય અમરિંદરસિંહે રાજા વડિંગે એવું કહીને નવો વિવાદ ઉભો કરી દીધો છે કે  જે મંત્રીઓ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા અને જેનું પ્રદર્શન યોગ્ય નથી તેમને પ્રધાનમંડળમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવવો જોઈએ.