બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેનિંગનો ધમધમાટ, આ જિલ્લાના 40 આદિવાસી યુવાનો થઈ રહ્યા છે તૈયાર

વડોદરા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવાનોને રોજગાર કઈ રીતે મળી શકે તે હેતુને ધ્યાનમાં રાખી તેમજ આદિવાસી વિસ્તારમાં ધો. 10 અને 12 સુધી ભણેલા  યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે. આ પ્રયાસોમાં ઘણી સેવા સંસ્થાઓ યોગદાન આપી રહી છે. તે સંદર્ભે હેપી ફાઉન્ડેશને એલ એન ટી કંપની સાથે સંકલન કરી નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના લિમ ખેતર ખાતે યુવાધનને રોજગારી મળી રહે તે માટે ડુંગરાળ વિસ્તારમાં પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું. તેના પરિણામે લીમખેતર, આંબા, પંચલા,ઝેર અને ઘળી જંતર ગામના 40 જેટલા યુવાનોને એલ એન ટી કંપનીમાં ત્રણ મહિનાની તાલીમ અને તે પછી રોજગારીનો માર્ગ ખુલ્યો છે.

હેપી ફાઉન્ડેશનના ડો. રાહુલ પટેલે જણાવ્યું હતું કે, હેપી ફાઉન્ડેશનના ફાઉન્ડર રીટાબેન ભગતના સહયોગથી ગ્રામ્ય વિસ્તારની બહેનો અને યુવાનો માટે  રોજગારીની તકો ઉભી કરવામાં આવે છે, જેથી આદિવાસી વિસ્તારના યુવા વર્ગને તાલીમ અને રોજગારી મળી રહે છે. અને તેઓ પણ શહેરી વિસ્તારમાં આવી પોતાની કારકિર્દી આગળ ધપાવી શકે છે.

ડો. રાહુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એલ એન ટી કંપની દ્વારા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી 40 યુવાનોને નોકરી આપવામાં આવ્યા બાદ તેમને અમદાવાદ ખાતે ત્રણ મહિનાની સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ માટે મોક્લવામાં આવ્યા છે. તે યુવાનોની તાલીમ પુરી થયા પછી  વડાપ્રધાન મોદીના સ્વપ્ન સ્વરૂપ બુલેટટ્રેન પ્રોજેક્ટ પર તેઓ કામ કરશે.આ ઉપરાંત એલ એન ટી કંપની દ્વારા તેઓને 13000 માસિક ભથ્થાની સાથે રહેવા જમવાની સુવિધા પણ આપવા આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોને તાલીમ સિર્ટીફીકેટ પણ આપવામાં આવશે.તે સિર્ટીફીકેટથી ભવિષ્યમાં તેઓ વિશ્વના કોઈ પણ ખૂણે કામ કરી શકશે. તેમજ ભવિષ્યમાં ગ્રામ્ય વિસ્તારના 300 થી 400 યુવાનો આવી નોકરી મેળવી શકે તેવા હેપી ફાઉન્ડેશનનો પ્રયાસ છે.