નાગરિકતા કાયદાના વિરોધનાં પગલે જાપાનના PM શિન્ઝો આબેની ભારત યાત્રા રદ્દ, અમિત શાહે શિલોન્ગનો પ્રોગ્રામ કેન્સલ કર્યો

ભારતમાં નાગરિક સુધાર કાનૂનને લઈને આસામ સહિત કેટલાક ભાગોમાં જારી વિરોધ પ્રદર્શન વચ્ચે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ભારતની તેમની સૂચિત યાત્રાને હાલ રદ કરવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ભારતના ગૃહમંત્રી અમિત શાહે પણ શિલોન્ગનો કાર્યક્રમ રદ્દ કર્યો છે.

જાપાનના ટોપના અધિકારીઓ દ્વારા આ મુજબનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો કે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સ્થિતિને હળવી કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. સુરક્ષા પાસાને ધ્યાનમાં લઈને જાપાની વડાપ્રધાન યાત્રાને મોકુફ રાખી છે. આબે રવિવારના દિવસે ભારત પહોંચનાર હતા. સાથે સાથે આસામના પાટનગર ગુવાહાટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની શિખર બેઠક નિર્ધારીત હતી. 15-17મી ડિસેમ્બરની વચ્ચે આ શિખર બેઠક યોજાવાની હતી.

શિન્ઝો આબે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ શિલોંગ જવાના હતા પરંતુ નાગરિકતા બિલના વિરોધમાં ફાટી નીકળેલી હિંસાના કારણે તેમણે પણ પોતાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. અમિત શાહ રવિવારે નોર્થ ઈસ્ટ પોલીસ એકેડમીના કાર્યક્રમમાં હાજરી આપવાન જવાના હતા. જોકે, ગૃહ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર કારણ આપ્યું ન હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું છે.