બાલાકોટ એર સ્ટ્રાઈક: વાયુસેનાની શૌર્યગાથા હવે રૂપેરી પડદે, સંજય લીલા ભણશાલી બનાવશે ફિલ્મ

બાલાકોટ એરસ્ટ્રાઇકની ઘટના અને ભારતીય વાયુસેનાની બહાદુરી ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. ભારતીય વાયુસેનાએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોની શહાદતનો બદલો પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકવાદી છાવણી પર હુમલો કરીને લીધો હતો. હવે આ ઘટના પર એક ફિલ્મ પણ બનવાની છે, જેના માટે ભૂષણ કુમાર, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂરે પ્રખ્યાત નિર્માતા સંજય લીલા ભણસાલી સાથે હાથ મિલાવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂર કરશે, જેમણે નેશનલ એવોર્ડ જીત્યો છે. જોકે, આ ફિલ્મમાં કયા કલાકારો કામ કરશે તે હજુ સુધી જાણી શકાયું નથી. ફિલ્મ અંગે સંજય લીલા ભણસાલીએ કહ્યું, ‘આ ઇવેન્ટ બહાદુરી, દેશભક્તિ અને દેશ પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. આ ફિલ્મ ભારતીય સૈન્યના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો મારો પ્રયાસ છે.

ભૂષણ કુમારે કહ્યું, ‘આવતા વર્ષે ટી-સિરીઝનો આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે. આ અમાર હૃદયની ખૂબ નજીક છે કારણ કે તમામની ભાવનાઓ આની સાથે જોડાયેલી છે. મને ભારતીય વાયુસેનાની બહાદુરી બતાવવામાં ગર્વ થશે. વિંગ કમાન્ડર અભિનંદન આપણા રાષ્ટ્રીય નાયક છે અને બાલાકોટ એરસ્ટ્રાઇકની ઘટના રાષ્ટ્રીય ગૌરવની વાત છે.

દિગ્દર્શક અભિષેક કપૂરે લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, “ભારતના ઇતિહાસની સૌથી શૌર્યપૂર્ણ ઘટનાઓ પૈકીની એક, બાલાકોટ એરસ્ટ્રાઇક પર ફિલ્મ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે માટે હું ગૌરવ અનુભવું છું. મને યાદ છે કે જ્યારે આ સ્ટ્રાઈક થઈ ત્યારે આખા દેશની શું લાગણી હતી. હું આ ફિલ્મની વાર્તાનો સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ કરીશ.’