વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-2019: ડેટા ક્લાઉડની મદદથી ઓછી કિંમતે કરી શકશો ટેક્નોલોજીનો ઉપયોગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને વેગ આપવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકારના બધા વિભાગોની ચેલેન્જીસના સોલ્યુશન આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ દ્વારા લાવી શકાય તે હેતુસર રાજ્યની યુનિવર્સિટીઓ અને કંપનીઓ જે ઈનોવેશન અને યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે તેમના સંયોજનથી એક કોન્ફરન્સ યોજી બધાના ઇન્વોલ્વમેન્ટથી આ ચેલેન્જીસના ઉપાયો આપણે લાવવા છે.

તેમણે કહ્યું કે, આજના યુવાનોમાં પૂરતું સાહસ, ધગશ અને કંઈક નવું શોધવાની તમન્ના છે. ત્યારે યુવાનોને બળ આપવા આવી સમિટના ચર્ચા-મંથન ખૂબ ઉપયોગી બની રહેશે.

શોધ-સંશોધનની જરૂરીયાત સમજાવવા તેમણે કહ્યું કે, જરુરિયાત સંશોધનની જનની છે. જરૂરીયાત ઉભી થાય તો વિચાર આવે અને તેમાંથી નવું સંશોધન થતું હોય છે. ગુજરાત સ્વાસ્થ્ય, ઉર્જા, ખેતી, દવા, કાપડ, સેવાક્ષેત્ર અને ઉદ્યોગમાં અગ્રેસર છે ત્યારે નવા સંશોધનો દ્વારા માનવ વિકાસ માટેની નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકાશે. વિજ્ઞાનમાં નવા પ્રયોગો હોય છે પરંતુ તેમાં નિષ્ફળતા હોતી નથી. સતત પ્રયોગથી સફળતા મળે જ છે.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી આપણે વિદેશી ટેક્નોલોજીની આયાત કરતા હતા, પરંતુ આજે ગુજરાત એકલામાં ૫ હજાર ટેકનોલોજી સ્ટાર્ટઅપ કંપનીઓ દ્વારા નીત-નવા સંશોધનો દ્વારા આપણે વિદેશમાં  ટેકનોલોજીની નિકાસ કરીએ તેવા વાતાવરણનું નિર્માણ કર્યું છે.

આ માટે રાજ્યમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન, ઉદ્યોગ-સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ-ક્રીએટ જેવી સંસ્થાઓનું નિર્માણ કર્યું છે, જેના દ્વારા આજનો યુવાન જોબ સિકર નહીં, જોબ ગીવર બને. તેમના ઉદ્યમ દ્વારા દેશને વિશ્વમાં મહાસત્તા બનાવવી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ સ્ટાર્ટઅપ અંગેના એક્ઝિબિશનની મુલાકાત લઇ યુવા સાહસિકોના શોધ-સંશોધન તથા નૂતન વિચારોની સરાહના કરી તેમની સાથે સંવાદ કર્યો હતો.

મુખ્ય સચિવ અનિલ મૂકીમે જણાવ્યું કે, ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે. આંતરમાળખાની દ્રષ્ટિએ દેશભરમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આઇ.ટી.ક્ષેત્રમાં છેલ્લા બે દાયકામાં ભારત વિશ્વસ્તરે ઊભરી આવ્યું છે તેમાં ગુજરાત કોઈ રીતે પાછળ રહ્યું નથી.

સ્વાસ્થ્ય, આંતર-માળખું, રોડ- રસ્તા બધામાં ગુજરાત આગળ છે ત્યારે આઈ.ટી. ટેકનોલોજીનો ઉપયોગ તેને વધુ ઊંચાઈ આપશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

એમેઝોન ગુજરાતના પ્રેસિડેન્ટ રાહુલ શર્માએ જણાવ્યું કે, ઇન્ટરનેટથી સઘળી માહિતી સાર્વજનિક બની છે. જ્યારે ડેટા ક્લાઉડથી કમ્પ્યુટર-વિજ્ઞાનની પ્રાયોગિક તકનીક અને તેની સઘળી માહિતી આજે સાર્વજનિક બની છે. વિદ્યાર્થીઓ અને યુવા સ્ટાર્ટઅપ સાહસિકો ડેટા ક્લાઉડની મદદથી વિવિધ તકનીકનો ઉપયોગ નજીવા મૂલ્યે કરી શકે છે. આવનારો યુગ મશીન લર્નિંગ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો છે, જે માટે એમેઝોન દ્વારા પૂરું પાડવામાં આવતું પબ્લિક ડેટા ક્લાઉડ ઉચ્ચ કક્ષાની સવલત છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

ગેસિયાના ચેરમેન મૌલિક ભણસાલીએ વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટ-2019ની પૂર્વભૂમિકા આપતા જણાવ્યું કે, આ સમીટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા 80 થી વધુ વક્તાઓ વિવિધ વિષય પર માર્ગદર્શન આપવાના છે. ઔદ્યોગિક જગતના વ્યવહારુ પ્રશ્નો અને તેના ઉકેલ માટે તકનીકી સ્ટાર્ટઅપને પીઠબળ પૂરું પાડવા માટેનું વાતાવરણ સર્જવા આ સમિટ એક શરૂઆત છે. આ સમિટ થકી ગુજરાતમાં સ્ટાર્ટ-અપ માટેનું વાયબ્રન્ટ વાતાવરણ વધુ સઘન બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

વિજ્ઞાન અને તકનીકી વિભાગના સચિવ હારિત શુક્લાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ રહ્યું છે. આ સ્થાન જાળવી રાખવા રાજ્યનું વિજ્ઞાન અને તકનીકી વિભાગ કટિબદ્ધ છે. આ સાથે જ તેઓએ વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટ-2019ના તમામ સહયોગીઓનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે આઈ.આઈ.ટી. ગાંધીનગર ખાતે વિક્રમ સારાભાઈ ચેર આપવામાં આવી છે તે અંતર્ગત વિજ્ઞાન અને તકનીકી વિભાગ તથા આઇ.આઇ.ટી.ગાંધીનગર વચ્ચે એમ.ઓ.યુ.ની આપ-લે થઇ હતી.

આ અવસરે મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે.દાસ, બ્રિટિશ ડેપ્યુટી કમિશનર ટુ ગુજરાત પીટર કુક, નાસકોમના કો-ફાઉન્ડર હરીશ મહેતા, ઉચ્ચઅધિકારીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.