નાગરિકતા બિલનો વિરોધ હિંસક બન્યો, ગુવાહાટીમાં પોલીસ ફાયરીંગ, ઓછામાં ઓછા ત્રણના મોત

સંસદ દ્વારા નાગરિકતા સુધારણા બિલ પસાર થયા પછી, ઉત્તર પૂર્વના રાજ્યોમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન  ગુવાહાટીમાં નાગરિકત્વ બિલનો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ પર પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા. સંસદ દ્વારા બુધવારે નાગરિકત્વ બિલને મંજૂરી મળ્યા બાદ હજારો આંદોલનકારીઓ શહેરમાં લગાવેલા કરફ્યુનું ઉલ્લંઘન કરીને શહેરના માર્ગો પર વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

આ પહેલાં સરકારે આસામના 10 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત હતી તો આજે હિંસક ઘટનાઓના અનુસંધાને વધુ 48 ક્લાક સુધી નેટ સેવાને બંધ કરી દીધી છે. ચાર પોલીસ ક્ષેત્રોમાં સૈન્યને તૈનાત કરાયું છે. બિલ સામે હજારો લોકો ઉત્તર પૂર્વની શેરીઓમાં વિરોધ કરી રહ્યા છે. બુધવારે થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ ગુરુવારે ગુવાહાટીમાં લોકોએ કરફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું. અગાઉ પણ, ગુવાહાટીના પરા વિસ્તારોમાં પોલીસ ફાયરિંગ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ આસામ અને ત્રિપુરામાં થયેલા હિંસક વિરોધની અસર વાહન વ્યવહાર તથા ટ્રેન વ્યવહાર પર પડી રહી છે. રેલવેએ આસામ અને ત્રિપુરા આવવા-જવા માટેની તમામ પેસેન્જર ટ્રેનોને સ્થગિત કરી દીધી છે અને ગુવાહાટીમાં લાંબા અંતરની ટ્રેનોને અટકાવવામાં આવી રહી છે. એરલાઇન્સ ઇન્ડિગોએ દિબ્રુગઢ જવા અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. કંપનીએ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટ અથવા રિફંડની ઓફર કરી છે.

ઉત્તર પૂર્વ સીમા રેલ્વેના પ્રવક્તા સુભાનન ચંદાએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે સલામતીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ ઘણા મુસાફરો કામખ્યા અને ગુવાહાટીમાં અટવાઈ ગયા હતા. આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય પ્રધાન રામેશ્વર તેલીના ઘરને નિશાન બનાવતાં બુધવારે રાત્રે ગુવાહાટીમાં અનિશ્ચિત સમયનો કરફ્યુ લગાવાયો હતો.