જુબાની આપી તો ઉન્નાવ જેવા હાલ થશેઃ બાગપતમાં દુષ્કર્મ પીડિતાના ઘરે પોસ્ટર લાગ્યા

એક તરફ ઉન્નાવ રેપ કેસ પીડિતાની અંત્યેષ્ઠીની રાખ હજુ તો ગંગામાં પધરાવાઈ નથી ત્યાં તો યુપીમાં વધુ એક પીડિતાને ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતાના ઘરે પોસ્ટર લગાવવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં દુષ્કર્મના આરોપીએ પીડિતને કોર્ટમાં જુબાની આપવાના સંજોગોમાં ઉન્નાવ કાંડ કરતા પણ ખરાબ હાલત કરવાની ધમકી આપી છે. આરોપી અત્યારે જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે. બુધવારે પીડિતાના ઘરની બહાર એક પોસ્ટર લગાવી આ ધમકી આપી હતી. પીડિતના પરિવારે આ અંગે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે પીડિતાને સુરક્ષાની ખાતરી પણ આપી છે.

આ ઘટના બાગપત જિલ્લાના બડૌત વિસ્તારમાં આવેલા એક ગામની છે. પીડિતા જાન્યુઆરી, 2018માં અભ્યાસ માટે દિલ્હીના મુખર્જી નગરમાં હતી. અહીં ગામનો જ વ્યક્તિ સોરણ પણ રહેતો હતો. સોરણ ૮મી માર્ચના રોજ કેટલીક નોટ્‌સ આપવાના બહાને પીડિતાને તેના મિત્રના એક મકાન પર લઈ ગયો હતો. જ્યાં તેને કોલ્ડ ડ્રીંકમાં નશીલી ગોળીયો ભેળવીને દુષ્કર્મ આચર્યું હતુ અને તેનો વિડિયો બનાવી બ્લેકમેલ કરવા લાગ્યો હતો. જુલાઈ, 2018માં પીડિતાએ આરોપી પર મુખર્જી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

પોલીસે આરોપી સોરણની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેને જામીન મળી ગયા હતા. કેસ રોહિણી કોર્ટમાં ચાલી રહ્યો છે. 13મી ડિસેમ્બરના રોજ કોર્ટમાં જુબાની છે. રેપની ઘટના બાદ પિતા પણ પીડિતા સાથે દિલ્હીમાં રહેવા લાગ્યા હતા. પરિવારના અન્ય સભ્યો પણ બડૌતમાં રહે છે. ઘર પર ધમકીભર્યા પોસ્ટર લગાવવાથી સમગ્ર પરિવાર દહેશત હેઠળ છે. પીડિત અને તેના પિતા તેમના ગામ પરત આવી ગયા છે. આ કેસમાં પીડિતાના દાદાએ બડૌત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.