મહારાષ્ટ્ર મંત્રી મંડળની ગૂંચ ઉકેલાઈ, ગૃહ ખાતું શિવસેના પાસે, NCP અને કોંગ્રેસને મળ્યા આ ખાતાઓ, જાણો વધુ

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળની રચનાને લઈ ત્રણ અઠવાડિયા સુધી ચાલેલી મેરેથોન કસરતના અંતે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. શિવસેનાના એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી બન્યા છે. જ્યારે કોંગ્રેસના બાલાસાહેબ થોરાટને મહેસુલ ખાતું મળ્યું છે અને એનસીપીના જયંત પાટીલને નાણા ખાતું આપવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલય ઉપરાત શિવસેના પાસે શહેરી વિકાસ અને પર્યાવરણ પણ આવ્યું છે. કોંગ્રેસ પાસે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, રેવેન્યુ(મહેસુલ), સ્કૂલ આરોગ્ય શિક્ષા, મહિલા બાળ વિકાસ તથા પીડબ્લ્યુડી વિભાગ આવ્યો છે. એનસીપીને નાણા મંત્રાલાય ઉપરાંત ગ્રામીણ વિકાસ, જશ સંસાધન અને સામાજિક ન્યાય મંત્રાલય મળ્યું છે

મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પાસે કોઈ મંત્રાલય નથી. શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને ગૃહ ઉપરાંત શહેરી વિકાસ, વન અને પર્યાવરણ, પાણી પુરવઠા, સિંચાઈ, પર્યટન, પીડબ્લ્યુડી અને સંસદીય કાર્યનો હવાલો આપવામાં આવ્યો છે.

એનસીપીના નેતા છગન ભૂજબળને ગ્રામીણ વિકાસ, જલ સંશાધન, સામાજિક ન્યાય, એક્સાઈઝ, વિજળી, મેડીકલ શિક્ષા, સ્કૂલ શિક્ષા, પશુપાલન, ડેરી વિકાસ અને ફીશરીઝ જેવા વિભાગો સોંપવામાં આવ્યા છે.

શિવસેનાના નેતા સુભાષ દેસાઈને ઉદ્યોગ અને ખાણ-ખનીજ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષમ, સ્પોર્ટ્સ અને યુવા વિકાસ, કૃષિ, રોજગાર ગેરંટી, વાહવ વ્યવહાર અ મરાઠી ભાષાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

એનસીપીના નેતા જયંત પાટીલને નાણા ઉપરાંત યોજના, હાઉસીંગ, સહકારી અને માર્કેટીંગ, ખાદ્ય અને નાગરિક પુરવઠો, શ્રમ અને લધુમતિ વિકાસ મંત્રાલય મળ્યું છે.

કોંગ્રેસના નેતા નીતન રાઉતને એમએસઆરડીસી, આદિવાસી વિકાસ, મહિલા અને બાળ વિકાસ, રાહત અને પુનર્વાસ તથા ઓબીસી મંત્રાલય આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઠાકરે પરિવારના સૌ પ્રથમ નેતા એવા ઉદ્વવ ઠાકરેએ  28મી નવેમ્બરે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ મંત્રીઓને ખાતાની ફાળવણીને લઈ ભારે ખેંચતાણ સર્જાઈ હતી અને પાછલા કેટલાક દિવસોથી વિરોધાભાસી નિવેદનો પણ આવી રહ્યા હતા. ખાસ કરીને નાગરિકતા બિલને લઈ એક તબક્કે કોંગ્રેસ અને શિવસેના આમને સામને આવતા પણ દેખાયા હતા. આના પરથી રાજકીય પંડીતો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર પડી ભાંગશે અને કોંગ્રેસ સાથેનું ગઠબંધન લાંબુ ટકશે નહીં.

લાંબી ચર્ચા બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. હવે પછી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવનાર છે. હાલ તો મુખ્યમંત્રી સાથે શપથ લેનારા મંત્રીઓને ખાત ફાળવવામાં આવ્યા છે. નવા મંત્રીઓ ક્યારે નિમાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ રીતે કહી શકે એમ નથી.